- હાઇકોર્ટે આપ્યો ચૂંટણી આયોગ તરફી નિર્ણય
- એક જ દિવસે મતગણતરી કરવા કરાઈ હતી અરજી
- હવે મતગણતરી શિડયુલ પ્રમાણે જ કરવામાં આવશે
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મત ગણતરી એક જ દિવસે યોજવાની જાગૃત નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, ત્યારે આ બાબતે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલા આયોજન પ્રમાણે જ મતગણતરી અલગ-અલગ દિવસે થશે. આ નિર્ણયને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને આવકાર્યો હતો.
6 કોર્પોરેશનના મતદારો ભાજપ અને વિકાસ માટે મતદાન કરશેઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે પાંચ કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારે હવે ભાજપ પક્ષના લાખો કાર્યકર્તાઓ એકબીજાને મળીને લોક સંપર્કમાં લાગી જશે. મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ભાજપના કાર્યકર્તાઓ એકબીજાના સંપર્કમાં જ છે અને હવે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરવા લાગી જશે. જ્યારે આ વખતે પણ 6 કોર્પોરેશનના મતદારો ભાજપ અને વિકાસ માટે મતદાન કરશે. તેવી પણ વાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી.
ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ દ્વારા અનેક જગ્યા ઉપર કોર્પોરેશન વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી. અમદાવાદમાં ભાજપ પ્રમુખ પટેલની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જગ્યાએ સામાજિક અંતરના નિયમોનો ધજાગરા ઉડ્યા હતા. આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પૂછવામાં આવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકસંપર્કનો દિવસ છે. લોકો નેતાઓને મળવા આવી રહ્યા છે. તેઓ જવાબ આપીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સંતોષ માન્યો હતો.