- ગૃહમાં આરોગ્ય વિભાગની કામગીરીની ચર્ચા થઈ
- સરકાર કોરોના વધવાનો દોષનો ટોપલો પ્રજા પર ઢોળી રહી છે: ગ્યાસુદ્દીન શેખે
- ચૂંટણી મોકૂફ ન રહી અને વિજય સરઘસોને લઈને કોરોના વધ્યો
- ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યા ગુજરાત સરકાર પર પ્રહારો
- સરકારે લૂંટ ચલાવી હોય તેમ 114 કરોડ રૂપિયા દંડ પેટે ઉઘરાવ્યા
ગાંધીનગરઃ સોમવારે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આરોગ્ય વિભાગની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે સરકારને જણાવ્યું હતું કે, ગુજરાત અને અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, તે છૂપાવવા માટે સરકાર પ્રજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે, તે વાત ખરેખર ખરાબ છે.
આ પણ વાંચોઃ વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને
ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના પીકઅપમાં આવ્યો
ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના પીકઅપમાં આવ્યો હતો. દિવાળી આવી અને રાજકીય કાર્યક્રમોની પણ સંખ્યા વધતી ગઈ. તેના કારણે પણ કોરોના સંક્રમણ વધ્યું હતુ. ધારાસભ્યએ પોતે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરી ચૂંટણી પાછી ખેંચવા માટે રજૂઆત કરી હતી. ચૂંટણી પ્રક્રિયા ત્રણ મહિનાની જગ્યાએ 06 મહિના સુધી પાછી લઈ જવામાં આવી હોત તો આ પ્રકારનો કોરોનાનો ફેલાવો ના થયો હોત.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યા ગુજરાત સરકાર પર પ્રહારો ચૂંટણી દરમિયાન ત્રણ લાખથી વધુ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા
ચૂંટણી દરમિયાન ત્રણ લાખથી વધુ કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા હતા. તેમજ લાખો ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર અને વિજય સરઘસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થતું જોવા મળ્યું નહોતું. ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર મેચનું આયોજન કરીને 70 હજાર જેટલા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમાં નેતાઓ પણ સહભાગી બનતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ કુલ 23,48,000 રૂપિયાનો દંડ વસૂલાયો
સરકાર અચાનક નિર્ણયો લઈને પ્રજાને પરેશાન ન કરે
હેવ અચાનક જ AMTS અને BRTSની સેવા બંધ કરવામાં આવી છે. પરંતુ STબસો ચાલુ છે. સરકાર પોતાની કામગીરી બતાવવા માટે રાત્રી 09 વાગ્યાથી કરફ્યૂ નાખી દે છે. પરિણામે નાના રોજગારી મેળવતા વેપારીઓની હાલત કફોડી બની છે. હવે તે લોકો કોરોનાથી મરવા તૈયાર છે, પરંતુ ભૂખથી મરવા માટે તૈયાર નથી. આ ઉપરાંત અમદાવાદમાં નિયુક્ત કરવામાં આવેલા વરિષ્ઠ IAS અધિકારી સંકલન સમિતિની બેઠકનું પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આયોજન કર્યું નથી. તેઓ પ્રજાના પ્રતિનિધિ એવા નેતાઓને પણ સાંભળવા તૈયાર નથી કે મળવા તૈયાર નથી અને પોતાનો વહીવટ ચલાવી રહ્યા છે.
કોરોનાના નામે સરકારે ઉઘાડી લૂંટ ચલાવી
સરકારે લૂંટ ચલાવી હોય તેમ 114 કરોડ રૂપિયા દંડ પેટે ઉઘરાવ્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા પણ એક પોલીસ સ્ટેશન પર એક દિવસમાં લાખ રૂપિયાનો દંડ વસૂલવો તેવી સૂચના અપાઈ હોવાનું પણ જણાવ્યું હતું. સરકારે માનવતા દાખવીને આ પ્રકારની દંડનીય કાર્યવાહી બંધ કરવી જોઈએ.