- વર્ષ 2022ના નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી
- ચૂંટણી પહેલા મુહૂર્ત અને લોકાર્પણના કામકાજની થશે ચર્ચા
- પ્રધાનોને આપવામાં આવશે કેબિનેટ બેઠકમાં મહત્વની જવાબદારી
ગાંધીનગર: વર્ષ 2022ના નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Legislative Assembly Election 2022 )આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં લઈને જ ગુજરાતમાં સત્તાધારી ભાજપ (BJP) પક્ષે પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને નવા જ ચહેરાઓનો કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સમાવેશ કર્યો છે, ત્યારે દિવાળી બાદ મળનારી પ્રથમ કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત ખાતમુહૂર્તના કામો અને લોકાર્પણના કામો બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને સોંપવામાં આવશે જવાબદારી
રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022ના ઈલેક્શન પહેલા ગુજરાત સરકાર દ્વારા આગામી 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાજ્યભરમાં વણથંભી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ, સાથે નવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. 10 નવેમ્બરના રોજ દિવાળી બાદ મળનારી પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામને જિલ્લા અને રૂપની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આમ આગામી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વણથંભી વિકાસયાત્રા થકી લોકો સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
હવે પ્રાથમિક શાળાઓ ખુલશે?
ગુજરાત રાજ્યમાં ધોરણ-5ના વર્ગો શાળાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ 1થી 4 ધોરણ હજુ પણ બંધ છે, ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. મળતી માહિતી પ્રમાણે ધોરણ-1થી 5 શરૂ કરવામાં આવશે અને વર્ગના સમયમાં ઘટાડો કરવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. સોમવારથી શનિવાર સુધીનું જે શૈક્ષણિક સત્ર હોય છે તે ફક્ત 4 દિવસ જ શૈક્ષણિક સત્ર યોજાય તેવી પણ શક્યતાઓ છે અને 1 ડિસેમ્બરથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થાય તેવો પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય થઇ શકે છે.