ગાંધીનગરઃ વિધાનસભાની 8 બેઠક પર યોજાનીરી પેટા ચૂંટણી માટે શુક્રવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજાએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે, બેરોજગાર સમિતિના યુવાન-યુવતીઓ ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી હતી. જો કે, ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે બેરોજગાર સમિતિ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.
રાજ્યમાં કોરોના વાઈરસના કારણે તમામ પ્રકારની સરકારી ભરતી ઉપર પાબંધી લગાવવામાં આવી છે. તેની સાથે પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા નથી. ત્યારે સરકાર સામે શિક્ષિત બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા યુવાનોને સાથે રાખીને આંદોલન કરવામાં આવ્યાં હતા. સરકારનું બેસણું યોજવામાં આવ્યું હતું, તેમજ ગાંધી જયંતિના રોજ ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ મહિના કરતાં વધુ સમયથી વિવિધ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઉપરાંત ગત 27 જુલાઇના રોજ ગાંધીનગરમાં આવેલા અખબાર ભવન ખાતે દિનેશ બાંભણિયા અને યુવરાજ સિંહ દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.