- ગાંધીનગરના કલોલને જાહેર કરાયો કોલેરાગ્રસ્ત
- કલોલમાં રોગચાળો વધતા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
- જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું
- અસરગ્રસ્ત વિસ્તારમાં ખાણીપીણી બંધ રહેશે
- સર્વેલન્સ માટે અમદાવાદ કોર્પોરેશનની ટીમની મદદ લેવાઈ
ગાંધીનગરઃ કલોલમાં પાણીની પાઈપલાઈન લીકેજ થવાના કારણે પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાથી કલોલ પૂર્વ વિસ્તારમાં 4 અને 5 જુલાઈએ ઝાડા-ઉલટીના 50 જેટલા કેસ સામે આવ્યા હતા, જેમાં ત્રણ લોકોનું મોત પણ આ જ કારણે થયું હતું. આ ઉપરાંત કોલેરાના કેટલાક કેસ પણ જોવા મળ્યા હતા, જેથી આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કલોલમાં ઝાડા-ઊલ્ટીના કેસો દૂષિત પાણી પીવાના કારણે વધી જતા રેલ્વે ફાટક પાસેના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામુ બહાર પાડી આ નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચોઃPolluted water: કલોલના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, રોગચાળાના 50 કેસ
1 મહિના સુધી કલોલ રેલ્વે પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
ગંભીર પરિસ્થિતિ સર્જાતા જિલ્લાની હેલ્થની ટીમ દોડતી કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ અત્યાર સુધી કાબૂમાં છે, પરંતુ આ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે એક મહિના સુધી કલોલ રેલવે પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પાણી દૂષિત હતું તે સંપૂર્ણ બંધ કરી લોકો માટે પીવાના ટેન્કરો મંગાવવામાં આવ્યા છે. એક અનુમાન એવું પણ લગાવવામાં આવ્યું છે કે ફૂડ પોઇઝનિંગ થઇ જવાના કારણે પણ આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. જોકે આ માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો જ્યાં અસરગ્રસ્ત વિસ્તારમાં દસ હજારની સંખ્યામાં લોકો રહે છે.
આ પણ વાંચોઃડીસામાં પીવાના પાણીથી રોગચાળો ન વધે તે પાણીના ટાંકાની Chlorination ચકાસણી કરાઈ
1 મહિના દરમિયાન ખાણી-પીણીની દુકાનો બંધ રાખવાનો નિર્ણય
ગાંધીનગર આરોગ્યની 5 જેટલી ટીમ ત્યાં તહેનાત કરી દેવામાં આવી છે, પરંતુ સ્થિતિ વધુ ખરાબ થતા AMCની પણ મદદ સર્વેલન્સ માટે લેવાઈ છે. લોકોને ઉકાળેલું પાણી પીવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોકો બહારનું ખાવાનું ટાળે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ દવાઓ પહોંચાડવામાં આવી રહી છે. 50 જેટલા લોકો દાખલ હતા, તેમાંથી 20 જેટલા લોકો ડિસ્ચાર્જ પણ થયા છે.
કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર છે ત્યાં ખાણી-પીણીની દુકાનો બંધ
પાણીના લીકેજના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે પરંતુ ફૂડ પોઇઝનિંગના કારણે પણ આ થયું હોવાનો અંદાજ હોવાથી કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે. તે પૂર્વ વિસ્તારમાં એટલે કે અસરગ્રસ્ત વિસ્તારમાં લારી-ગલ્લા અને ખાણીપીણીની દુકાન અત્યાર પૂરતી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.