- સરકારના અનેક વિભાગોમાં જગ્યાઓ ખાલી
- સરકાર ભરતી કરતી ન હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
- નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ગૃહમાં આપ્યો કડક જવાબ
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગારીના મુદ્દા ઉપર અનેક વખત ચર્ચા કરવામાં આવે છે. સરકાર ઉપર એવા પર આક્ષેપ કરવામાં આવે છે કે, રાજ્ય સરકાર દ્વારા સરકારી ભરતીઓ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી. ત્યારે આજે શુક્રવારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગુજરાત સંગીત નાટક એકેડમી, અભિલેખાગાર નિયામક કચેરી, ખેતી નિયામક કચેરી, ગ્રંથાલય નિયામક આ ઉપરાંત ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી હોવાના આંકડા સામે આવ્યાં છે. જેથી કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં આક્ષેપ કર્યા હતા કે, સરકારી અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવી ભરતીઓ કરવામાં આવતી નથી.
ક્યાં વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી
શુક્રવારની વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 6 વિભાગોની ખાલી પડેલી જગ્યા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નો કર્યા હતા. જેમાં અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભાગૃહની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
- ગુજરાત સંગીત નાટક એકેડમીમાં 1 જગ્યા ખાલી
- અભિલેખાગર નિયામક કચેરીમાં 114 મહેકમ સામે 58 જગ્યા ભરેલી, 56 ખાલી
- ખેતી નિયામક વર્ગ 1,2 અને 3માં 180 જગ્યા ખાલી
- ગ્રંથાલય વિભાગમાં 29 મહેકમ સામે 15 ભરેલી અને 14 ખાલી
- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીમાં મંજૂર 15, જેમાં ભરેલી 10 અને 5 જગ્યા ખાલી
- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મંજૂર 394, ખાલી 168, જ્યારે 226 ભરેલી, જેમાં કરાર આધારિત 1 અને આઉટ સોરસિંગથી 43 જગ્યાઓ ભરવામાં આવી છે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો જવાબ
સરકારી ભરતી અને રોજગારી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન ગૃહમાં ઉગ્ર થયા હતા. વારંવાર રોજગારી અને ભરતીને લઈ બૂમો પાડતાં કોંગ્રેસ પક્ષને જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસના 20 વર્ષના શાસનમાં થયેલી ભરતી કરતાં ભાજપના 20 વર્ષના શાસનમાં 5 ગણી ભરતી થઈ છે. નાયબ મુખ્યપ્રધાને ગૃહમાં આંકડા સાથે દાવો કર્યો હતો. જ્યારે કોંગ્રેસની જેમ તગારે- પગારે અને નગારે જવાનું અમે બંધ કરી દીધું હોવાનું નિવેદન નિતીન પટેલ આપ્યું હતું.