- કોર્પોરેશનને નિયમ પાલન કરાવવામાં ખર્ચ નડી રહ્યો છે
- ઘર દીઠ બે ડસ્ટબિન એમ 4 લાખ ડસ્ટબિન આપવા પડે
- શહેર વસાહત મહાસંઘ નાયબ મુખ્યપ્રધાન પાસે ડસ્ટબિન અપાવવાની માગ સાથે પહોંચ્યું
ગાંધીનગર: છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં તમામ કચરો ઉઠાવવામાં આવી રહ્યો નથી. રોજનો 28થી 30 ટન કચરો જ ઉઠાવવામાં આવે છે. જોકે 100 ટનથી વધુ કચરો આ પહેલા ઘરે ઘરેથી ઉઠાવવામાં આવતો હતો. શહેર વસાહત મંડળે પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રભારી કૌશિક પટેલને તેમજ જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાને આવેદનપત્ર આપ્યું છે. કોર્પોરેશનને જો કચરા પેટી આપવાની થાય તો 2 લાખ ઘરોમાં 4 લાખ કચરા પેટી આપવાની થાય, જેથી આ ખર્ચ કોર્પોરેશનને પાલવે તેમ નથી. જેથી આ મામલો પણ ગરમાયો છે. જેને લઈને કોર્પોરેશન અને શહેર વસાહત મહાસંઘ આમને સામને આવી ગયા છે.
નવા વિસ્તારોના 1 લાખ 25 હજાર ઘરો ભળ્યા હોવાથી ખર્ચ વધી જાય છે
કોર્પોરેશન વિસ્તારમાં 18 ગામો ભળ્યા હોવાથી નવા 1 લાખ 25 ઘરોનો સમાવેશ થયો છે. જ્યારે અન્ય જુના પહેલાથી સમાવેશ થયેલા ઘરોની થઈને 2 લાખ સંખ્યા થાય છે. જેથી એક ઘર દીઠ એક ડસ્ટબિન એમ સૂકા અને ભીના કચરા માટે 4 લાખ ડસ્ટબિન આપવા પડે. બલ્કમાં લેવાના કારણે એક ડસ્ટબિન રૂપિયા 70 માં કોર્પોરેશને પડી શકે છે. જેથી આ ખર્ચ 2 કરોડ 80 લાખ સુધી પહોંચી જાય છે. એટલે કે નિયમનું પાલન કરાવવા માટે આટલી રકમ ખર્ચ કરવી પડી રહી છે. જેથી ખર્ચ વધી જાય છે. કોર્પોરેશનનું કહેવું છે કે, સૂકા અને ભીના કચરા માટે ઘરમાં પડેલું તગારું કે અન્ય કોઈ વાસણમાં પણ કચરો ફેંકી જ શકાય છે અને કોર્પોરેશન અલગ કરેલો કચરો કોઈપણ પાત્રમાં સ્વીકારવા તૈયાર છે તેવું તેમનું કહેવું છે. જેથી આ મામલે શહેર વસાહત મહાસંઘ આગામી દિવસોમાં માગ ન સંતોષાય તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે.