- ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત બિલને લઈને કોંગ્રેસનો વિરોધ
- કોંગ્રેસના દિગગજ નેતાઓ રહ્યા હાજર
- આવનારા ઇલેક્શનમાં જીતવાનો માહોલ ઉભો કર્યો
ગાંધીનગર: સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના ખેડૂત બિલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત કેટલાય દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર બેસીને આંદોલન કરી રહ્યા છે. જેને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ હાર્દિક પટેલે પણ પ્રથમ વખત આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભરતસિંહ સોલંકીએ ઇલેક્શન લડવા નહીં પણ જીતવાનો મંત્ર આપ્યો
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આંદોલન દરમિયાન પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગત કેટલાય વર્ષોથી ચૂંટણી લડી રહ્યું છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત ચૂંટણી લડવા માટે નહીં, પરંતુ ચૂંટણી જીતવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ગત 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, ત્યારે કોંગ્રેસ પણ હવે આવનારી ચૂંટણીઓમાં જીતશે તેવો મંત્ર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્યો હતો. આ સાથે જ કેન્દ્ર સરકારને આડે હાથ લેતા સોલંકીએ આક્ષેપ કર્યા હતા કે, કેન્દ્ર સરકાર પોતાની રીતે સરમુખત્યારશાહી અપનાવી રહી છે. સરકાર નોટ બંધી, GST અને CAA બિલ બાદ ખેડૂતોના બિલ પાસ કરીને પોતાની રીતે જ નિર્ણય કરી રહી છે.
યુવાનો આંદોલન કરે તો ટુકડે-ટુકડે ગેંગ, ખેડૂતો આંદોલન કરે તો આંતકવાદી