ગુજરાત

gujarat

ETV Bharat / city

બજેટ સત્ર 1 માર્ચથી થઇ શકે શરુ, આચારસંહિતા બાદ બજેટ થશે રજૂ - બજેટ

ગુજરાત વિધાનસભામાં દર 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના મતદાન અને પરિણામ બાદ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે.

ETV BHARAT
બજેટ સત્ર 1 માર્ચથી થઇ શકે શરુ

By

Published : Jan 28, 2021, 5:47 PM IST

Updated : Jan 28, 2021, 6:56 PM IST

  • ચૂંટણી બાદ રજૂ થશે ગુજરાત સરકારનું બજેટ
  • આચારસંહિતા બાદ અથવા તો ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થશે બજેટ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે બજેટ
  • વર્ષ 2021-22નું બજેટ વિધાનસભા ગૃહમાં કરાશે રજૂ
    બજેટ સત્ર 1 માર્ચથી થઇ શકે શરુ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં દર 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના મતદાન અને પરિણામ બાદ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ મળતી માહિતી મુજબ 1 માર્ચે વિધાનસભાનું સત્ર મળશે તો રાજ્ય સરકાર ચૂંટણી આયોગમાં જઈને વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવાની ખાસ પરવાનગી લઈને બજેટ રજૂ કરે તેવી શક્યતાઓ છે.

ગત વર્ષે 2 લાખ કરોડનું હતું બજેટ

ગત બજેટની જો વાત કરવામાં આવે તો વર્ષ 2020-21માં ગુજરાત સરકારનું બજેટ 2,17,287 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે બજેટમાં પણ વધારો કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ પૂર્ણ કરી છે. જેથી ગત વર્ષ કરતાં આ વર્ષે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં વધુમાં વધુ બજેટ ફાળવવામાં આવશે.

આચારસંહિતાને લીધે બજેટ સેશન પાછળ ધકેલાયું

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થઇ રહી છે અને ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. એક તારીખની આસપાસ બજેટ સત્રની શરૂઆત થઇ શકશે, જ્યારે 5 તારીખની આસપાસ ગુજરાત વિધાનસભામાં બજેટ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આમ આ વર્ષે બજેટ મોડુ રજૂ કરવામાં આવશે.

આરોગ્ય અને શિક્ષણમાં વધારો થશે

કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાની વેક્સિનેશનનું કાર્ય રાજ્યમાં આગળ વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્યમાં વધુમાં વધુ ધ્યાન આપીને મોટું બજેટ ફાળવવામાં આવશે, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 30 ટકા જેટલો વધારો આરોગ્યના બજેટમાં થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે જ શિક્ષણ પાછળ પણ રાજ્ય સરકાર વધુમાં વધુ બજેટની ફાળવણી કરશે.

કોરોનાને કારણે અન્ય બજેટ પર મુકાયો હતો કાપ

ગત માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. 70 દિવસથી વધુ સમય રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ ધીમેધીમે અનલોક શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જો બજેટની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા મહત્વના તમામ પ્રોજેક્ટમાં 20થી 30 ટકા જેટલો કાપ મુક્યો હતો. આ સાથે જ રાજ્ય સરકારે તમામ વિભાગને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવા અંગે સૂચન કર્યું હતું.

30 ટકાનો વધારો થાય તેવી શક્યતાઓ

ગત વર્ષ કરતાં આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે 30 ટકા જેટલો વધારો કરે તેવી શક્યતાઓ સભ્યો તરફથી મળી રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, ટૂરિઝમ અને નાના મોટા ઉદ્યોગોને અસર કરતા મુદ્દાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. આમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની અંદર બજેટ રજૂ કરશે.

1 માર્ચના રોજ બજેટ સત્રની થશે શરૂઆત

સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન કરશે અને ત્યારબાદ રાજ્યના 2 પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલશે અને અંદાજે 5 માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ અંદાજપત્રની સામાન્ય ચર્ચા 5 દિવસ સુધી ચાલશે અને અંદાજપત્રની માંગણીઓ ઉપર 12 દિવસ ચર્ચા માટે ફાળવવામાં આવશે. ઉલ્લેખની છે કે, આ સત્ર 24 દિવસનું રહે તેવી સંભાવના છે.

Last Updated : Jan 28, 2021, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details