- ગુજરાતમાં હોસ્પિટલોની કથળેલી હાલતે કથિત ગુજરાત મોડલની પોલ ખોલી
- સ્મશાનમાં લાંબી કતારો વચ્ચે વહેલો વારો લાવવા માટે 2000ની લાંચ લેવાય છે
- હોસ્પિટલો પાસે ન હોય તેવા 5000 ઇન્જેક્શન ભાજપ પાસે આવ્યા ક્યાંથી?
ગાંધીનગર: પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ, કથળતી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી પર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોની હોસ્પિટલોના વાઇરલ થયેલા વીડિયો પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, એક બેડ પર બે લોકોને સુવડાવા પડે છે અને દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન અપાય છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ફક્ત દેખાડાનો વિકાસ જ કર્યો હોવાનું સાબિત થાય છે. સ્મશાનમાં લાંબી કતારો વચ્ચે વહેલો વારો લાવવા માટે 2000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. તે મુદ્દે પણ ભાજપની માનવતા મરી ગઈ હોય તેવી લાગણી વ્યક્ત કરી છે.
રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરીને ભાજપે માનવતાની હત્યા કરી: શંકરસિંહ વાઘેલા સર્કિટ હાઉસ તેમજ સ્ટેડિયમોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની વિનંતી
ભાજપના વિકાસ મોડલ પર કટાક્ષ કરતા શંકરસિંહે કહ્યું છે કે, સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોસ્પિટલોની કથળેલી હાલતે કથિત ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે અને અન્ય નાના શહેરો અને ગામોમાં તો હોસ્પિટલોના ઠેકાણા જ નથી. લોકો સારવાર માટે આમતેમ વલખા મારી રહ્યા છે. નાગરિકોના કરોડો રૂપિયા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના વિમાન પાછળ વેડફાય છે, પરંતુ નાગરિકોને એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નથી મળતી. હોસ્પિટલોમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી. આ સિવાય શંકરસિંહ બાપુએ સરકારને વિનંતી કરી છે કે, સર્કિટ હાઉસ, સ્ટેડિયમ અને વાઇબ્રન્ટ ગુજરાત વાળા AC ડોમ સહિતની જગ્યાઓ પર સ્થાયી કોવિડ કેર સેન્ટર ઉભા કરવા જોઈએ.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા
રેમડેસીવીરની કાળાબજારીમાં ભાજપનો ભાગ
ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના રેમડેસીવીર કૌભાંડ પર શંકરસિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, હાલમાં જ રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછતને કારણે લોકો રાજ્યભરમાંથી એક એક ઇન્જેક્શન લેવા માટે સવારથી સાંજ હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે ભાજપ પાસે 5000 ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો પાસે આ ઇન્જેક્શન નથી! આ ઇન્જેક્શન બનાવનારી કંપની પાસે આનો સ્ટોક નથી તો ભાજપે ક્યાંથી આટલા મોટા પ્રમાણે ઇન્જેક્શન શોધ્યા? મતલબ ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે અને ભાજપ તેમાં ભાગીદાર છે. લોકોના જીવ સાથે ચેડા કરતી આ હલકી રાજનીતિ છે. શંકરસિંહ બાપુએ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતા કહ્યું કે, ભાજપ અને તેના મળતીયાઓને ઇન્જેક્શનના સંગ્રહખોરી અને ભાજપ કાર્યાલય પર તેના ગેરકાયદેસર વેચાણને લઈને એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, સી.આર.પાટીલની ધરપકડ કરવામાં આવે: અર્જુન મોઢવાડીયા
ગુજરાતનુ દુર્ભાગ્ય છે કે, CMને ઈન્જેક્શન આવ્યા ક્યાંથી તેની ખબર નથી
સી. આર. પાટીલના રેમડેસીવીર કૌભાંડ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાટીલ પાસે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે તેમને ખબર નથી. તેના પર શંકરસિંહ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મુખ્યપ્રધાનને પણ ભાજપ ક્યાંથી આ સંગ્રહ કરેલા ઇન્જેક્શન લાવી એ ખબર ના હોય તો ગુજરાતનું દુર્ભાગ્ય છે કે, આપણા મુખ્યપ્રધાન સુધી કોઈ માહિતી પહોંચતી જ નથી. ગુજરાતનું શાસન કોના હાથમાં છે? તેવા પણ સવાલ તેમણે કર્યા.
સરકાર વેક્સિનને એક્સપોર્ટ કરે છે, જ્યારે ખરી જરૂર તો દેશમાં છે
વેક્સિન અને રેમડેસીવીરની અછત પર કેન્દ્ર સરકારના મિસ-મેનેજમેન્ટ પર પ્રહાર કરતા શંકરસિંહએ કહ્યું છે કે, કેટલાક રાજ્યોમાં વેક્સિન અને રેમેડેસીવીરનો વધારે પડતો સ્ટોક છે અને અન્ય કેટલાક રાજ્યોમાં તેની ભારે તંગી છે. ત્યારે કેન્દ્ર સરકારના મિસ-મેનેજમેન્ટનો ભોગ દેશની જનતા બની રહી છે. વેક્સિનને વિદેશમાં એક્સ્પોર્ટ કરવા બાબતે પણ તેઓએ સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, સરકાર વિદેશમાં ફાંકા ફોજદારી બંધ કરીને દેશના તમામ નાગરિકોને વેક્સિન આપવાનો લક્ષ્ય રાખે અને 24 કલાક વેક્સિન આપવી જોઈએ.