- બ્રિજેશ મેરજાએ બેઠક કરી અધિકારીઓને તાકીદ કરી
- કોરોનામાં શ્રમિકો માટેની આ યોજના બંધ કરાઈ હતી
- રૂપિયા 10 માં આપવામાં આવતું હતું ટિફિન
ગાંધીનગર: ગુજરાત સરકારે 18 જુલાઈ 2017 ના રોજ ગુજરાતના શ્રમિકો તેમજ તેમના પરિવાર માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. કોરોના જેવા કપરાકાળમાં જ જેમને રોજગારીના ફાંફાં પડી ગયા હતા, તેવા શ્રમિકો માટે આ યોજના બંધ કરાઈ હતી પરંતુ નવા પ્રધાન એવા બ્રિજેશ મેરજાએ આ બાબતને ધ્યાનમાં રાખી ફરી આ યોજના શરૂ કરવા માટે ફરમાન આપ્યું છે. આ અંગે તેમને અધિકારીની બેઠક પણ બોલાવી હતી જેમાં તેમને આ નિર્ણય લીધો હતો.
શ્રમ ઉપરાંત રોજગાર પણ મહત્વનું, આગામી સમયમાં 1 લાખ લોકોને રોજગારી અપાશે
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની બેઠક અમે અધિકારીઓ સાથે રાખી હતી. તેમણે વધુમાં કહ્યું કે, શ્રમએ ભારે મહત્વનું કાર્ય છે અને શ્રમજીવીઓ ઉપરાંત રોજગાર પણ આપણા માટે એટલું જ જરૂરી છે. આ પહેલા જે અન્નપૂર્ણા યોજના હતી અને કોરોનામાં બંધ પડી હતી. આ યોજનાને જલદી જ શરૂ કરવા માટે અધિકારીઓને દિશા નિર્દેશ કર્યો છે. શ્રમની સાથે રોજગારી ક્ષેત્રે પણ કાર્ય કરાશે. જે અંગે વધુમાં વાત કરતા તેમણે કહ્યું કે, આગામી સમયમાં જલદી જ 1 લાખ લોકોને રોજગારીની તકો મળી રહે તેના માટેનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.