ગાંધીનગરઃ રાજ્યમાં વિવિધ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની હદના વિસ્તારોને ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓમાં ભેળવવામાં આવ્યા હતાં, ત્યારબાદ સરકારે બુધવારે બહાર પાડેલા મુજબ, સુરતમાં 1 વોર્ડ અને 4 બેઠકનો વધારો તથા ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકના વધારાને બાદ કરતા બાકીની અમદાવાદ, રાજકોટ સહિતની તમામ મહાનગરપાલિકાઓમાં વોર્ડ અને બેઠક યથાવત રાખવામાં આવી છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી એપ્રિલ-2021માં યોજાવાની છે, પરંતુ અન્ય મહાનગરોમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. મહાનગરોના નવા સીમાંકન બાદ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને જનાધાર વધારવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે, પરંતુ પંચાયત વિસ્તારોમાં સન્નાટો છે. વિસ્તારમાં ઘટાડા સાથે મનપા સાથે સંકળાયેલી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં ઘટાડો નિશ્ચિત છે.