- વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે 84 દિવસનો નિયમ નહીં
- 28 દિવસ બાદ વિદ્યાર્થીઓને અપાઈ વેક્સિન
- પાંચમા દિવસે ફરી યોજવામાં આવશે રસીકરણ કેમ્પ
ગાંધીનગર:વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પેશ્યલ કેમ્પનું આયોજન સેક્ટર -2 અર્બન હેલ્થ સેન્ટર ખાતે કર્યું હતું. જે વિદ્યાર્થીઓએ કોર્પોરેશનમાં અરજી આપી છે તેમને જ વેક્સિન આપવામાં આવી હતી. બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા વિદ્યાર્થીઓ માટે જ આ કેમ્પ યોજાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ કોર્પોરેશનમાં વેક્સિન માટે અરજી કરતા હતા પરંતુ કોઇ તારીખ વેક્સિનની આપવામાં નહોતી આવતી જેથી વિદ્યાર્થીઓમાં પણ મૂંઝવણ પણ જોવા મળી હતી. પરંતુ 11 જૂનના રોજ આ વિદ્યાર્થીઓને રાહત થઈ હતી.
100થી વધુ વિદેશ જનાર વિદ્યાર્થીઓની અરજી બાદ પણ પ્રક્રિયા ચાલુ
કોર્પોરેશન પાસે ગાંધીનગર જિલ્લામાં 100થી વધુ વિદેશ જનારા વિદ્યાર્થીઓની અરજી આવી છે. જોકે હજુ પણ આ અરજી પ્રક્રિયા ચાલુ છે. જેમાં વિદેશ જવા ઇચ્છુક અને જેમને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા વિદ્યાર્થીઓને 28 દિવસ બાદ તરત જ વેક્સિન આપવાની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. જેની 11 જૂનથી શરૂઆત કરવામાં આવી હતી. શુક્રવારે 50થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. જો કે અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતે કેમ્પ કરી એક જગ્યાએ બોલાવી વેક્સિન આપવામાં આવશે. વિદ્યાર્થીઓનું અહીં જ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. જોકે એ પહેલા તેમને કોર્પોરેશનમાં કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ ફાઇલ કરવાના રહેશે જે બાદ જ તેમને વેક્સિન મળશે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું