ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે, આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ (STD 12 Commerce Result declared) પર જાહેર થઈ ગયું છે. જોકે, સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ મૂકાતા વેબસાઈટ પર ટ્રાફિકજામ થયો હતો. તેના કારણે વેબસાઈટ ઓવરલોડ જોવા મળી હતી. રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 86.91 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, કોરોના મહામારી પછી 2 વર્ષ પછી ઓફલાઈન પરીક્ષા યોજાઈ હતી.
વિદ્યાર્થીઓની સ્થિતિ -ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ઉપસ્થિત નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 3,35,145 હતી. તો પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા 2,91,287 હતી. જ્યારે 30,014 રિપીટર ઉમેદવારો હતા. તેમાંથી 13,641 રિપીટર ઉમેદવારો પાસ થયા છે. રિપીટર ઉમેદવારોના પરિણામની ટકાવારી 45.45 ટકા છે. તો ખાનગી નિયમિત ઉમેદવારોની સંખ્યા 20,189 હતી. તેમાંથી પ્રમાણપત્રને પાત્ર ખાનગી ઉમેદવારોની નિયમિત સંખ્યા 9877 હતી. જ્યારે ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 48.92 ટકા છે.
વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી - નિયમિત વિદ્યાર્થીઓ (પુરુષ)નું પરિણામ 84.67 ટકા અને નિયમિત વિદ્યાર્થીઓ (મહિલા)ઓનું પરિણામ 89.23 ટકા આવ્યું છે. તો આ વખતે 2,075 દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 20 ટકા સ્ટાન્ડર્ડ પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 415 છે. તો આ વખતે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 2,544 કેસ નોંધાયા હતા.
ક્યાં કેટલું પરિણામ આવ્યું -રાજ્યમાં કુલ 488 કેન્દ્ર પર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. તો આ સાથે જ સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી, અલારસા બન્યું છે. જ્યારે સૌથી ઓછું 56.43 ટકા પરિણામ ડભોઈ કેન્દ્રનું આવ્યું છે. તો સૌથી વધુ 95.41 ટકા પરિણામ ડાંગ જિલ્લાએ મેળવ્યું છે. જ્યારે સૌથી ઓછું 76.49 ટકા પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા બન્યો છે. તો આ તરફ કુલ 1,064 શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. તો 10 ટકાથી પણ ઓછું પરિણામ ધરાવતી માત્ર એક જ શાળા છે.