ગાંધીનગર: રાજ્ય સરકારે ટ્રસ્ટીઓ અને શાળા સંચાલકો સાથે બેઠકમાં 25 ટકા ફી માફીનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ અમુક કારણોસર શાળા સંચાલકોએ સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો અને ત્યારબાદ સરકારે જ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને હાઇકોર્ટ જે નક્કી કરે તે રાજ્યમાં અમલી થશે તેવી વાત કરી હતી. પરંતુ આજે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો કે શાળાની ફી બાબતે રાજ્ય સરકારે જ નિર્ણય લે. રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા છે. આમ આ હુકમ બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે અગાઉ બે વખત સંચાલકો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. એક મીટિંગ ઓફિસમાં અને ત્યારબાદ બીજી વખત ઓનલાઇન બેઠક યોજવામાં આવી હતી અને 25 ટકા ફી બાબતની વાત કરવામાં આવી હતી પરંતુ શાળા સંચાલકોએ તેનો સ્વીકાર કર્યો ન હતો.
હાઇકોર્ટના ફી હુકમ બાદ શિક્ષણપ્રધાનનું નિવેદન: સીએમ, ડે.સીએમ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે
કોરોનાના કપરાકાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ થઇ નથી પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે શાળા દ્વારા શિક્ષણ ફી ઉઘરાવવામાં આવી રહી છે. દરમિયાન શિક્ષણ ફીમાં માફી માગવા માટેનો સોશિયલ મીડિયામાં આંદોલન થયા બાદ રાજ્ય સરકારે સંચાલકો સાથે બેઠક કરીને ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન આવ્યા બાદ સરકારે જ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી જેમાં હાઇકોર્ટે આજે નિર્ણય કર્યો હતો કે સરકાર જ ફી બાબતે નિર્ણય કરે ત્યારે હાઇકોર્ટના હુકમ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ મુદ્દે હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે.
હાઇકોર્ટના ફી હુકમ બાદ શિક્ષણપ્રધાનનું નિવેદન
પરંતુ આજે હાઇકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને હવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ સ્કૂલ ફી બાબતે નિર્ણય કરવામાં આવશે. આમ કોરોના દરમિયાન શાળાઓ શરૂ થઈ નથી અને હવે રાજ્યની શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે ફી ઊઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર કેવા પ્રકારનો નિર્ણય લેશે તે જોવું રહ્યું.