- રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ ગ્રહણ કર્યો
- જિલ્લામાં હાજર રહેલા અધિકારીઓએ શુભેચ્છા આપવા આવવું નહિ તેવી સૂચના અપાઈ
- સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપવાની આપી માહિતી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો આજે સત્તાવાર રીતે ઓફિસમાં ચાર્જ લઇ રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ચેમ્બરમાં માં ભારતીની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે જ મીડિયાને સંબોધતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે જે અત્યારે જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ શુભેચ્છા આપવા માટે ગાંધીનગર આવવું નહીં, પરંતુ હું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને જિલ્લાની માહિતીઓ પ્રાપ્ત કરીશ.
પૂર્વ રાજયકક્ષાના ગૃહપ્રધાન સાથે 1.15 મિનિટનું લેશન લીધું
ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, ચાર્જ લેતા પહેલા વિજય રૂપાણીના સરકારના તમામ પ્રધાનો સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમના આશીર્વાદ લઈને હું ઓફિસમાં ચાર્જ લેવા માટે આવ્યો હતો. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મને ગૃહવિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે, ત્યારે પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે 1.15 કલાકનું લેશન લઈને તમામ માહિતીઓ પ્રાપ્ત કરીને વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો છે.