ગાંધીનગરઃ માર્ચ મહિનાથી રાજ્યમાં તમામ સાધનિક કાર્યો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે રાજ્યના મંદિરોના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ અને આર્થિક સહાય આપવા અંગે સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકારે તમામ કલેકટરોને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પત્ર લખીને તમામ જિલ્લાઓના પૂજારી તેમ જ કર્મકાંડી બ્રાહ્મણોની યાદી તૈયાર કરવાની સૂચના આપી છે. અગાઉ બિહાર અને પશ્ચિમ બંગાળની સરકાર કર્મકાંડી બ્રાહ્મણો માટે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી ચૂકી છે.
રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટર પાસેથી કર્મકાંડી બ્રાહ્મણોની યાદી મંગાવી - કર્મકાંડી બ્રાહ્મણો માટે રાહત પેકેજ
કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને અનલોકમાં ધાર્મિક કાર્ય, પૂજા અને વિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જેના કારણે કર્મકાંડી બ્રાહ્મણોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે, જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી કર્મકાંડ કરનારા બ્રાહ્મણોની યાદી તૈયાર કરવાનું સૂચન આપ્યું છે. આ સમય દરમિયાન બિહાર અને પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મંદિરોના પૂજારીઓ તેમ જ પૂજાપાઠ અને કર્મકાંડ ઉપર નભતા બ્રાહ્મણોને કોરોનાની મહામારીના કારણે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આર્થિક નુકસાનને પહોંચી વળવા અને રાહત પેકેજ આપવાની અનેક રજૂઆત રાજ્ય સરકારને મળી છે. આ રજૂઆતના સંદર્ભે સરકારે તમામ જિલ્લાઓના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને જિલ્લામાં પૂજાપાઠ અને કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા કેટલી છે તેની તાલુકાવાર વિગતો મગાવી છે. આ વિગત મેળવ્યા બાદ રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણો માટે ટૂંક સમયમાં આર્થિક સહાય જાહેર કરે તેવી શક્યતા છે. હવે રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણો માટે આર્થિક પેકેજ જાહેર કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.