- રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું
- પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ
- માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ ફટાકડાનું વેચાણ થશે
ગાંધીનગર: દિવાળીના તહેવાર (Diwali Festival)ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફટાકડા (Firecrackers) ફોડવા બાબતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે ગુજરાત રાજ્યમાં દિવાળી અને દિવાળીના તહેવારો દરમિયાન વધુ પડતો અવાજ કરતા અને પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
ગ્રીન ફટાકડા ફોડી શકશે નાગરિકો
કેવા ફટાકડા નહીં ફોડી શકાય તે બાબતે રાજ્ય સરકારે ખાસ સૂચન કર્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછું ઉત્સર્જન ઉત્પન્ન કરતા હોય તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ગુજરાતમાં પણ દિવાળીના તહેવાર નિમિત્તે લાગુ કરવામાં આવ્યો છે.
પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવામાં આવશે, જ્યારે ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી આવા ફટાકડા ઉપર પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકયો છે. આ ઉપરાંત લાયસન્સ મેળવ્યું ન તેવા કોઇપણ નાના વેપારીઓ, લારી-ગલ્લા ટેમ્પરરી બાંધીને ફટાકડાનું વેચાણ કરે તેને અટકાવવા માટે પણ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.