- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોના બાદ થયા હાજર
- નીતિન પટેલ 20 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા
- મ્યુકોરમાઈકોસીસ રોગના નિદાન માટે સરકાર કટિબદ્ધ
ગાંધીનગર : 24 એપ્રિલના રોજ ગાંધીનગરમાં કોલવડા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહની હાજરીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદની હોસ્પિટલમાં 20 દિવસની સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યા હતા. ત્યારે શુક્રવારે તેઓ 25 દિવસ બાદ પોતાની ઓફિસમાં હાજર થયા હતા. જ્યાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં મારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી.
રાજ્ય સરકાર મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે કટિબદ્ધ કોરોનામાં મારી પરિસ્થિતિ ગંભીર હતી
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે 24 એપ્રિલના રોજ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે સૌપ્રથમ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યું હતું અને ત્યાં દાખલ થયો હતો. શરૂઆતના દિવસોમાં મારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. 20 દિવસ જેટલું હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે મેં 10 દિવસ ઘરે આરામ કર્યો અને ત્યાર બાદ હજુ પણ હું ડોક્ટરના સંપર્કમાં છું અને મારી સાથે વાત ચાલી રહી છે.
નીતિન પટેલ કોર કમિટીમાં રહેશે હાજર
ગત વર્ષથી ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ છે. ત્યારથી જ ગુજરાત સરકાર દ્વારા રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને કોર કમિટીની બેઠકનું આયોજન થાય છે. ત્યારે છેલ્લા 25 દિવસથી કોર કમિટીમાં ગેરહાજર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શુક્રવારે કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે.
મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે સરકાર કટિબદ્ધ
કોરોનાથી સાજા થયેલા લોકોને મ્યુકોરમાઈકોસીસ નામની બીમારી થાય છે. જેને બ્લેક ફંગસ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખાય છે. આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર બાદ જે બ્લેક ફંગસ (black fungus) નામની બીમારી થાય છે, તેમાં રાજ્ય સરકાર તમામ દર્દીઓની સારવાર કરવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને પણ દવાઓની માગ કરી છે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જ બ્લેક ફંગસ ઇન્ફેક્શનના ઇન્જેક્શન રાજ્ય સરકારને પ્રાપ્ત થાય છે.
તૌકતે વાવઝોડામાં સરકારની કામગીરીની પ્રશંષા કરી
રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લાઓને ધમરોળી નાંખ્યુ હતું. ત્યારે આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની કામગીરીમાં રાજ્ય સરકારે સંપૂર્ણ કટિબદ્ધતાથી કામગીરી કરી છે અને લોકોના જીવ બચાવ્યા છે. એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ વાવાઝોડાને કારણે પરિસ્થિતિ ગંભીર હતી. ત્યારે રાજ્ય સરકારે તમામ કામગીરી સારી કરી હોવાનું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.