- રાજ્ય સરકારે 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી
- મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડ રૂપિયાનું તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
- એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે સીધી સહાય
ગાંધીનગર : રાજ્યમાં 17 અને 18 મે ના દિવસે દરિયાકિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો, ત્યારે અનેક બાગાયતી ખેતી ઉપરાંત ઉનાળુ પિયત પાક અને ફળ તથા ઝાડ પડી જવાથી ખેડૂતોને નુકસાન થયું છે. કૃષિમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાના મુદ્દે પણ બુધવારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણી ( CM rupani )ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ( cyclone agriculture relief package ) હેઠળ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આંબા, નાળિયેરી, ચીકુ અને લીંબુ ના ઝાડ ઉખડી જવાથી હેકટર દીઠ 1 લાખની સહાય
મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani )ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી પાકોને નુકસાનમાં મદદરૂપ થવા માટે 500 કરોડ રૂપિયાનું તૌકતે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ ( cyclone agriculture relief package ) જાહેર કર્યું છે.
- આંબા, નાળિયેરી, ચીકુ, લીંબુ જેવા બાગાયતી પાકોના ફળઝાડ મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નુકસાન પામવાના કિસ્સામાં દીઠ વધુમાં વધુ રૂપિયા એક લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
- ઝાડ ઉભા હોય પરંતુ ફળ ખરી પડ્યા હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રૂપિયા 30 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
- ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
2 લાખ હેક્ટર વિસ્તારમાં થયું નુકસાન
મુખ્યપ્રધાન રૂપાણી( CM rupani )એ ખેડૂતોના હિતને લઈને કરવામાં આવેલા નિર્ણય બાદ જણાવ્યું હતું કે, વાવાઝોડાને વ્યાપક અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એમ 5 જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લામાં પણ થઈ હતી. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું નિવેદન પણ આપ્યું હતું.