- શ્રાવણ માસના તહેવારો નિમિતે રાજ્યના ફૂડ વિભાગની કાર્યવાહી
- શ્રાવણ માસમાં ઉપયોગમાં આવતી ફરાળી ચીજ વસ્તુઓનું થશે ચેકીંગ
- વેપારીઓ નાગરિકોની શ્રદ્ધા જોડે ચેડા ન કરે તે માટે કરવામાં આવશે તપાસ
ગાંધીનગર : રાજ્યમાં 10 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે અનેક લોકો શ્રાવણ માસના ઉપવાસ અને આરાધના કરતા હોય છે જેથી ફરાળી વસ્તુઓની માગમાં વધારો થાય છે, જ્યારે વેપારીઓ ભાવિક ભક્તોને શ્રદ્ધામાં અને ઉપવાસમાં વધુ નફો મેળવવાની લાલચમાં કોઈ પ્રકારના ચેડા ન કરે તેને ખાસ ધ્યાનમાં લઇને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને તપાસ માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
રાજગરના લોટમાં અન્ય લોટ ભેળવીને ફરાળી વસ્તુ બનાવવામાં આવે છે
વર્ષ 2018માં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજગરાના લોટમાં સિંગના લોટ અને સોજીના તથા અન્ય લોટનું મિશ્રણ કરીને ફરાળી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની ઘટનાઓ સામે આવી હતી. તે ઘટનાઓને ધ્યાનમાં લઈને દર વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆતમાં અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ ફરાળી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવે છે. આમ વર્ષ 2018માં જે ઘટના બની હતી તે ઘટના ફરીથી ન બને તેને ધ્યાનમાં લઈને પણ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.