- રાજ્યના શિક્ષણમાં સુધારો લાવવા માટે યોજાઈ બેઠક
- શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાન હેઠળ બેઠકનું આયોજન
- જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ સચિવ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
ગાંધીનગર : રાજ્યમાં સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર સુધારવા માટે આજે 22 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના સરકારી શાળાઓના શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે રોડ મેપને લઈને બે દિવસના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓ હાજર રહેશે.
આ પણ વાંચો: બાળકનો સર્વાંગી વિકાસ થાય, તેવી નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અપાશે વધુ ધ્યાન
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, જે શાળાઓ સારી છે તેને વધુ સારી કઈ રીતે બનાવી શકાય અને જે શાળાઓ નબળી છે તેને સારી કઈ રીતે બનાવી શકાય તે બાબતનો ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મકાન અને બિલ્ડીંગ બાબતે પણ ખાસ પ્રકારની ચર્ચા સાથે આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને શૈક્ષણિક કાર્યક્રમને લગતા તમામ પેરામીટર્સને સાથે રાખીને વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી છે.