- ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની 1 દિવસીય ચિંતન બેઠક યોજવામાં આવી હતી
- આ બેઠકમાં ભાજપ પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
- બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિગતવાર ચર્ચા અને આયોજન કરાયું
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 12 અને 13 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપની 2 દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર.પાટીલે પેજ કમિટીની રચના પર ભાર મુક્યો
આ ચિંતન બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ સંગઠનના વિગતવાર આયોજન તેમજ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો.
કૃષિ સુધારા બિલ પર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં 8 પત્રકાર પરિષદ અને 9 ખેડૂત સંમેલનો કરવામાં આવશે
આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂતોનું આત્મનિર્ભર થવું અનિવાર્ય છે અને દેશના કરોડો ખેડૂતોના ઉત્થાન માટે, તેમની પ્રગતિ માટે, આવક બમણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે, તે અંગે ભાજપ કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં 8 પત્રકાર પરિષદ અને 9 ખેડૂત સંમેલનો કરવામાં આવશે.