1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ… - Standard 12 board examination
રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે, 1 જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવશે. ત્યારે આજે મંગળવારે સત્તાવાર રીતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ની પરીક્ષા 1 જુલાઇ થી 16 જુલાઈ સુધી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10ના રિપીટર અને ખાનગી ઉમેદવારો માટે પણ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જે 1 જુલાઈથી જ શરૂ કરવામાં આવશે.
1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ
By
Published : Jun 1, 2021, 6:00 PM IST
ધોરણ 10 રિપીટર અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
1 જુલાઈથી 16 જુલાઈ સુધી યોજાશે પરીક્ષાઓ
ધો. 10 રેગ્યુલર વિધાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વચ્ચે પણ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મંગળવારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
કોરોના SOP સાથે લેવામાં આવશે પરીક્ષા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીના નિર્ણય પ્રમાણે, ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા કોરોના SOP સાથે જ લેવામાં આવશે. જેમાં એક બ્લોકમાં વધુમાં વધુ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જેથી આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં વધુ વર્ગખંડો ઉભા કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે તમામ વિદ્યાર્થીઓને સામાજિક અંતર જળવાઈ રહે તેવી રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ તમામ સ્કૂલોમાં અને બોર્ડના સેન્ટર પર થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જો વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો 15 દિવસ પછી આપી શકશે પરીક્ષા
મહત્વની વાત કરીએ તો રાજ્ય સરકારે આ વખતે ખાસ વિશેષ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરી છે. જો પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવશે તો તેઓ વિદ્યાર્થી ૧૫ દિવસ બાદ ફરીથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે અગાઉ પણ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.