- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત
- કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થતિને જોતા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખી છે. ગાંધીનગરમાં આજે ગુરુવારે સવારે સેક્ટર વન ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં પરીક્ષા મુદે ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ બોર્ડના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં જોડાયા હતા. જ્યાં લાંબી ચર્ચા અને સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે.
કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને નવી તારીખો જાહેર કરાશે
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10 મેથી 25 મે સુધી યોજાવાની હતી, તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આગામી તારીખ 15 મે સુધી મુલતવી રાખી છે. કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- 16 એપ્રિલથી શરૂ થતી GTUની પરીક્ષા મોકૂફ