ગાંધીનગરઃ દુકાનદારો પણ સમય મર્યાદાનું પાલન કરીને પોલીસ વિભાગને સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના જે વિસ્તારોમાં રિક્ષા અને ટેેક્સીને પરમિશન આપવામાં આવી છે, એમાં પણ બે જ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. રાજ્યમાં તમામ જગ્યાએ શાળા, કોલેજ, જીમ, સ્વિમિંગ પૂલ, બગીચા, શોપિંગ મોલ, થિયેટર બંધ રહેશે તથા કોઈ પણ પ્રકારની ધાર્મિક કે સાંસ્કૃતિક મેળાવડા ન થાય તે અંગે પણ પોલીસ સચેત રહશે. એ જ રીતે રાજ્યના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પહેલા જેવું જ સંપૂર્ણ લૉકડાઉનનું પાલન કરાવવા માટે પૂરતા બંદોબસ્ત સાથેની સુરક્ષા વ્યવસ્થા ચાલુ રહેશે.
રાત્રિ કર્ફ્યુના ચુસ્ત અમલ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવીને સતત ચેકિંગ કરાશે : DGP - કોવિડ-19
રાજ્યભરમાં સાંજના 7થી સવારના 7 દરમિયાન રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. આ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવીને સતત ચેકિંગ રખાશે. નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ વિભાગને ચોક્કસ દિશાનિર્દેશો પણ આપી દેવાયાં છે. કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં સવારે 8થી બપોરના 4 કલાક દરમિયાન જ દુકાનો છૂટછાટ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ અને આવશ્યક સેવાઓને જ છૂટ આપી છે.
રાજ્યમાં કોરોના વૉરિયર્સ પર થતાં હુમલાઓને સાંખી લેવાશે નહીં, આવાં કૃત્યો કરનાર સામે પાસાની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી રહી છે. આ પ્રકારના ત્રણ બનાવો ધ્યાને આવ્યાં છે જેમાં એક સૂરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના કાવી તથા ભરૂચ શહેરના એ-ડીવીઝનમાં એક-એક ગુના નોંધાયાં છે. આ તમામ ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવાયાં છે. લૉક ડાઉન બાદ અત્યાર સુધીમાં 40 ગુનાઓમાં 94 આરોપી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કોરાના વૉરિયર્સ ઉપર હુમલાના જે 40 ગુના નોંધાયાં છે એમાં 28 બનાવો પોલીસ ઉપર હુમલાના, 6 બનાવ જી.આર.ડી./હોમગાર્ડ ઉપર હુમલાના, 2 બનાવ મેડિકલ સ્ટાફ પર હુમલાના, 2 બનાવ મહેસૂલ વિભાગના અધિકારીઓ પરના હુમલાના તથા આશાવર્કર ઉપર હુમલા કરવાના બે બનાવનો સમાવેશ થાય છે.