ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પહેલા દિવસે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાને રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની 121મી બેઠક યોજી હતી. આ પહેલા વડાપ્રધાન GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં (PM Modi Ahmedabad GMDC) ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ વડાપ્રધાને ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે હોદ્દેદારો ધારાસભ્યો અને સંસદ સભ્યોની સાથે બેઠક પણ કરી હતી.
આ પણ વાંચો:PM Modi Gujarat Visit: નરેન્દ્ર મોદીની ટોપીના અનેક રંગરૂપ અને વિશેષતા
બેઠકમાં આ મુદ્દા પર થઈ ચર્ચા
વડાપ્રધાને આ બેઠકમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે સોમનાથ તીર્થ એક આદર્શ તીર્થ બને તે માટે વિવિધ સૂચન અને માર્ગદર્શન પણ આપ્યા હતા. બેઠકમાં કોરોના સમયમાં તેમ જ તાઉતે વાવાઝોડા દરમિયાન સોમનાથ ટ્રસ્ટે કરેલી વિવિધ સામાજિક સેવાઓની નોંધ લેવામાં આવી હતી.
સોમનાથ તીર્થમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપૂર્ણ આયોજન કરવા જાણીતા આર્કિટેક બિમલ પટેલે માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલથી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પિલગ્રીમ પ્લાઝા વગેરે કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તીર્થ પૂરોહિતોના ચોપડાનું ડિજિટલાઈઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભૂતકાળની જાહોજલાલી પુનર્જિવિત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.