રાજ્યમાં શાળા સંચાલકો ફક્ત 75 ટકા ટ્યુશન ફી ઉઘરાવી શકશે, ઇત્તરપ્રવૃત્તિ તમામ માફ: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
કોરોના કાળમાં રાજ્યમાં ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી બેફામ ફીની ઉઘરાણી કરી રહ્યાં હતાં. ત્યારે સ્કૂલ ફી માફી મુદ્દે વાલીમંડળ દ્વારા હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે સમગ્ર મામલો સરકાર પણ છોડતાં આજે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની તમામ શાળાઓની 25 ટકા શિક્ષણ ફી માફ કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સ્કૂલ ફી મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, વાલી મંડળ સાથે થયેલી બેઠક બાદ તથા આજની કેબિનેટમાં ચર્ચા થયા મુજબ રાજ્યની ખાનગી શાળાઓની 25 ટકા શિક્ષણ ફી માફ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વાલીમંડળની માગ હતી કે, 50 ટકા જેટલી શિક્ષણ ફી માફ થાય પરંતુ અંતે ચર્ચાવિચારણા કર્યા બાદ 25 ટકા જેટલી ફી માફ કરવામાં આવી છે. જ્યારે ઈત્તર પ્રવૃત્તિઓની તમામ સી.આર.સી. માફ કરી દીધી છે.