- ત્રણથી ચાર મહીનાના વેઇટિંગ ચાલી રહ્યા છે ઈ-વાહનો
- કેન્દ્ર સરકારની પણ સબસીડીનો ફાયદો લોકોને થઈ રહ્યો છે
- ટુ- વ્હીલર વાહનોનું સૌથી વધુ વેચાણ
ગાંધીનગર : રાજ્ય સરકારે વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની સામે ઇ-વાહનોનું વેચાણ અને પ્રોત્સાહન આપવાના હેતુસર લોકોને સબસીડી આપવાનું 22 જૂને જાહેર કર્યું હતું અને આ સબસીડી જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવી છે. એ પહેલા જ લોકોએ ઇ-વાહનો બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું. ટુ- વ્હીલર, થ્રી- વ્હીલર અને ફોર- વ્હીલરની ખરીદીમાં સબસીડી જાહેર કરવામાં આવી હતી. ફોર વ્હીલરમાં દોઢ લાખ, થ્રી-વ્હીલરમાં 50 હજાર અને ટુ-વ્હીલર વાહનોમાં 20 હજારની સબસીડી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે હેતુથી લોકોને પણ તેનો ફાયદો થતા ગુજરાતમાં આ પ્રકારના વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વાહનોમાં 3થી 4 મહિનાના વેઇટિંગમાં પણ બોલી રહ્યા છે.
સબસીડી જાહેર કર્યાના 1 વર્ષ પહેલા એવરેજ એક મહિને 175 વાહન ખરીદાતા હતા, અત્યારે મહિના 475 ખરીદાય છે
ગુજરાત સરકારની વાહન વિભાગની કચેરીમાંથી મળતી માહિતી મુજબ સબસિડી જાહેર કરાઈ તેના આગામી જુલાઈના એક વર્ષ અગાઉ 165 જેટલા ઇ- વાહનો દર મહિને રાજ્યભરમાંથી ખરીદવામાં આવતા હતા. જ્યારે જૂન મહિનામાં સબસિડી જાહેર કરાઈ અને જુલાઈ મહિનામાં તેની અમલવારી કરાઇ ત્યારે ફક્ત જુલાઈ મહિનામાં 457 ઇ-વાહનોનું વેચાણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ઓગસ્ટમાં 11 તારીખ સુધીમાં 205 વાહનો વેચાઈ ચુક્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે, ઓગસ્ટ માસમાં જ 600થી પણ વધુ વાહનોનું વેચાણ થશે. જોકે તેના કરતાં પણ વધુ વેચાણ થઈ શકે છે પરંતુ ડિમાન્ડ એટલી વધી છે કે, વેઇટિંગમાં વાહનો 3 મહિને મળે છે, નહીંતર આ આંકડો પણ ત્રણ ગણો વધી શકે છે. અત્યાર સુધી સબસિડી જાહેર કરાયા બાદ 662 વાહનોનું વેચાણ થયું છે.
જે ઇ-વાહનો અમે વર્ષે 40 જેટલા વેચતા તે મહિને 100 જેટલા વેચાઈ રહ્યા છે: ડીલર
આ અંગે ટુ- વ્હીલરની ડીલરશીપ ધરાવનારા ગાંધીનગરના અશ્વિન બારોટ જણાવ્યું કે, "રાજ્ય સરકારની સબસીડી પહેલા જ કેન્દ્ર સરકારની ફેમ 2ની સબસીડીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી પહેલાની સરખામણીમાં હાઈ સ્પીડ વાહનો વેચાઇ રહ્યા છે. કેન્દ્ર દ્વારા સબસીડી એક મહિના પહેલા જાહેર કરાઈ હતી. જેથી આ બન્ને સબસીડી મળી મોટો ફાયદો થાય છે. જે વાહન 90 હજારમાં પડતું હતું તે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસીડી મળતા 58 હજારની આસપાસ પડે છે. જે વાહનો અમે વર્ષે 30થી 40 જેટલા વેચતા હતા, તે અત્યારે મહિને 100 જેટલા વેચાઇ રહ્યા છે. આ ઉપરાંત 300થી પણ 400 લોકો અત્યારે વેઇટિંગમાં છે. ઇન્કવાયરી પણ 20 ગણી વધી ગઈ છે.