ગાંધીનગર: કુડાસણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલી ન્યુ આદિશ્વર જ્વેલર્સ નામની દુકાનમાં ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં એક અપાચે બાઈક પર ત્રણ લુંટારૂ આવ્યા હતા. જેમણે જ્વેલર્સમાં રહેલા દુકાન માલિક પાસે દાગીના માગ્યા હતા, જેમાં લૂંટારૂઓએ વીંટીને પસંદ કરી હતી. દાગીના પસંદ કરવાની સાથે જ હેલ્મેટ પહેરેલા લૂંટારૂએ દુકાન માલિકને બંદુક બતાવી હતી. ત્યારબાદ દુકાનમાં ત્રણ લૂંટારૂએ માલિક કમલેશ જૈન અને કર્મચારી પ્રિયાંશુ પ્રજાપતિ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં હેલ્મેટ પહેરેલા લૂંટારુએ ઝપાઝપી કરી રહેલા દુકાન માલિકને ગોળી મારતા દુકાન માલિક લોહી લુહાણ થઇ ગયા હતા.
આ ત્રણ લૂંટારૂઓ બુધવારની રાત્રે પણ દુકાનમા ખરીદી કરવાના બહાને આવ્યા હતા, પરંતુ તેમનું કામ નહીં થતા પરત ચાલ્યા ગયા હતા. જ્યારે ગુરૂવારે લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જેમાં દુકાનના બહારના ભાગે મોટા પ્રમાણમાં લોહી જોવા મળ્યું હતું.