- પોલીસ આંદોલનની બેઠકમાં કોઈ પરિણામ નહિ
- સત્યાગ્રહ ખાતે આંદોલન રહેશે યથાવત
- કમિટીની રચના કર્યા બાદ થશે તમામ નિર્ણય
ગાંધીનગર : સમગ્ર ગુજરાતની પોલીસ દ્વારા ગ્રેડ-પે બાબતે અને અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ધરણા કરીને રાજય સરકારના વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મંગળવારે મોડી સાંજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સંઘવી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પણ કોઇ જ પ્રકારનો નક્કર નિર્ણય સામે આવ્યો નથી રાજ્ય સરકાર આગામી સમયમાં કમિટી રચી તમામ પ્રશ્નોનો નિર્ણય કરશે તેવી બાહેંધરી પોલીસ પરિવારની મહિલાઓને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે.
આંદોલન યથાવત રાખવામાં આવશે
હર્ષ સંઘવી સાથેની બેઠકમાં ગાંધીનગર SP કચેરી ખાતે ફરજ બજાવતા ચિરાગ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથેની બેઠકમાં હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી પરંતુ સૌપ્રથમ કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના પોલીસના તમામ પ્રશ્નો એક કરીને રાજ્ય સરકાર સાથે તબક્કાવાર બેઠક યોજવામાં આવશે. તેમજ સોશિયલ મીડિયામાં અને સત્યાગ્રહ છાવણી ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે તે યથાવત રાખવામાં આવશે.