ગાંધીનગર: ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાહેડ ક્લાર્કની પરીક્ષાનું આયોજન 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું, પરંતુ પરીક્ષા શરૂ થાય તેના 2 દિવસ પહેલા જ એટલે કે 10 ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021)થઇ ગયું હોવાનું પોલીસ તપાસ (police investigation in head clerk paper leak)માં ખુલ્યું છે. રાજ્ય સરકારે કરેલી તપાસમાં અસિત વોરાને ક્લિનચીટ આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી, ત્યારે આજે સવારથી જ સોશિયલ મીડિયામાં 'અસિત વોરા રાજીનામું આપો' (Resign Asit Vora)નો ટ્રેન્ડ શરૂ થયો છે.
અસિત વોરાને સમગ્ર તપાસથી દૂર રાખવાની માંગ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા રાજીનામાની માંગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સમગ્ર તપાસમાંથી અસિત વોરાને દૂર રાખવાની માંગ કરી હતી. સાથે જ આવનારી અનેક પરીક્ષાઓમાં તેઓને દૂર રાખવામાં આવે તેવું નિવેદન પણ અગાઉ આપ્યું છે. આજે અચાનક જ સવારથી જ સોશિયલ મીડિયામાં રાજીનામું આપે તેવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે.
હું તો ઓફિસે છું : અસિત વોરા
મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન્ડ ઉમેદવારો (GSSSB Head Clerk Exam Candidates)દ્વારા શરૂ કરાયો હોવાની વાત પણ સામે આવી રહી છે. છેલ્લા 2 દિવસથી સમાચાર વહેતા થયા છે કે, અસિત વોરા રાજીનામું આપી રહ્યા છે. તેઓ સાંજે રાજીનામું આપશે, સવારે રાજીનામું આપશે અથવા તો કાલ સવારે રાજીનામું આપશે તેવા અનેક સમાચાર વહેતા થયા હતા. આ બાબતે Etv ભારત સાથે અસિત વોરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઓફિસે જ છું. મેં કોઇપણ પ્રકારનું રાજીનામું આપ્યું નથી.