ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે ધંધા-રોજગાર ચોપટ થઇ ગયા છે. માત્ર 3 મહિનાના સમયમાં રંગ વિનાની દુનિયા થઈ ગઈ હતી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાથી તહેવારોની શરૂઆત થતી હોય છે, ત્યારે 2 દિવસ બાદ સોમવારે ભાઈ-બહેનના પવિત્ર પ્રસંગનો તહેવાર એટલે રક્ષાબંધન છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. સરહદ ઉપર દેશની સેવા કરતા જવાનોને પણ બહેનો રાખડી બાંધતી હોય છે. રાજ્યના મુખ્યપ્રધાન પણ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખતા હતા, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ શક્ય બની શકશે નહીં.
સિવિલમાં નર્સિંગ સ્ટાફે કોરોના ગ્રસ્ત દર્દીઓને રાખડી બાંધી, ભાવુક બની કહ્યું- જલ્દી સાજા થાઓ - ગાંધીનગર સિવિલ
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂ મહત્વ છે, પરંતુ કોરોના વાઇરસની મહામારી વચ્ચે તહેવારો શૂન્ય બની ગયા છે. 2 દિવસ બાદ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, ત્યારે અનેક ભાઈઓ અને બહેનો સિવિલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આવા સમયે દર્દીઓ પણ રક્ષાબંધનના તહેવારને ઉજવે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બાંધી તેમના જીવનમાં રંગ પૂરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
જે બહેનને ભાઈ છે, પરંતુ કોરોના સંક્રમિત થયા હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે. તેવા ભાઈને બહેનની ખોટ ના પડે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા ગુરુવારે ખાસ કોરોના સંક્રમિત ભાઈઓ અને બહેનોને રક્ષા રૂપી રાખડી બાંધવામાં આવી હતી. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જાગૃતિ પટેલ સહિત કોરોના વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ દ્વારા સેનિટાઈઝ કરેલી રાખડી બાંધવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલના વોર્ડમાં ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
આ અંગે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જાગૃતી પટેલે કહ્યું કે, કોરોના વાઇરસના કારણે હોસ્પિટલોમાં સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે, જ્યારે દર્દીઓ પણ મોટી સંખ્યામાં છે. આવા સમયે બે દિવસ બાદ સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. અત્યારે હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત ભાઈઓ અને બહેનો આ તહેવારથી વંચિત ના રહે, તે માટે ગુરુવારે સેનિટાઈઝ કરેલી રાખડી તેમને બાંધવામાં આવી હતી અને તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી કે, જલ્દીથી તેઓ સાજા થઈને પોતાના પરિવાર સાથે જૂની જિંદગી જીવવાનું શરૂ કરે. આ ઉજવણીમાં સિવિલના સુપરિટેન્ડન્ટ ડૉ.નિયતિ લાખાણી, RMO ડૉ.સુધાબેન આસિસ્ટન્ટ અને ડૉ.કલ્પેશ જસપરા પણ જોડાયા હતા.