- રાજ્યમાં સપ્ટેમ્બરમાં થયેલી અતિવૃષ્ટિને લઇને પાકને નુકસાનનો મામલો
- નુકસાન થયેલાં પાકના સર્વે બાદ રાહતની ખેડૂતોને આશા
- રાજ્ય સરકારે જાહેર કર્યું છે 546 કરોડનું વિશેષ રાહત પેકેજ
ગાંધીનગર-રાજ્યમાં ગત માસમાં થયેલા પાછોતરા વરસાદમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ નોંધાઈ હતી. ત્યારે ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવાનો આવ્યો છે. જેને લઇને સરકારે ખેડૂતોને કોરોનાકાળમાં પડેલા ફટકા બાદ વધુ ભાર ખમવો ન પડે તે માટે વિશેષ મદદ આપતાં કુલ 546 કરોડનું રાહત પેકેજ જાહેર (546 crore relief package announced ) કરવામાં આવ્યું છે. આ અંગે ETV Bharatની કૃષિપ્રધાન સાથેની એક્સક્લૂસિવ મુલાકાત (Raghvji Patel Exclusive Interview) શબ્દશઃ આ રહી...
પ્રશ્ન-1 ખાસ કરીને ગઈકાલે એક રાહત પેકેજ જાહેર કર્યું છે. એની પહેલાં ગુજરાત સરકારે એક સર્વે કર્યો હતો. કેટલું નુકસાન થયું છે અને કેટલા જિલ્લામાં નુકસાન થયું છે?
ઉત્તરઃ સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે સૌરાષ્ટ્રના લગભગ 4 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને અને ખેતીને નુકસાન થયું હતું. ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી. આ પ્રશ્ને રાજ્ય સરકારે સર્વે(Crop Damage Survey) કરાવ્યો. સર્વેના અંતે સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને જરુરી સહાય મળી રહે તેના માટે એક પેકેજ જાહેર કર્યું છે. કૃષિ સહાય પેકેજ. લગભગ 546 કરોડ રુપિયાના આ પેકેજમાં હેક્ટરદીઠ 13,000 રુપિયાની સહાય અને 2 હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળશે. આ પેકેજમાં જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એમ 4 જિલ્લાના લગભગ 682 જેટલા ગામડાંના ખેડૂતોને આ યોજનાનો લાભ આ પેકેજમાં મળે એવી રીતે સરકારે નક્કી કર્યું છે.
પ્રશ્ન- સાહેબ, આ 4 જિલ્લાનું પેકેજ જાહેર કર્યું છે.આ 4 સિવાયના બીજા જિલ્લાઓના જે ખેડૂતો છે તેમનો પણ વિરોધ આજે જોવા મળી રહ્યો છે...
ઉત્તરઃ સપ્ટેમ્બર મહિનાની આ અતિવૃષ્ટિ પછી પણ, રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. સતત વરસાદ વરસવાથી ખેડૂતોના ઊભા પાક, જેવા કે મગફળી, કઠોળના પાકો, કપાસ એને વ્યાપક નુકસાન થવાના અહેવાલો અમને મળ્યાં હતાં. જુદા જુદા આગેવાનો, ધારાસભ્યો, સાંસદો અને ખેડૂત આગેવાનો તરફથી પણ અમને આ બાબતે રજૂઆતો મળી છે. એ રજૂઆતોના અનુસંધાને અમે ખેતીવાડી અધિકારીઓને જ્યાં જ્યાંથી રજૂઆતો આવી છે એ તમામ વિસ્તારોમાં આ ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સર્વે (Crop Damage Survey) કરવાની સૂચના આપી છે. એના અહેવાલો આવ્યાં પછી આગળની કાર્યવાહી હાથ ધરીશું.
પ્રશ્ન- બીજી એક વાત છે કે વિપક્ષનો વિરોધ સામે આવ્યો છે. તેમણે એવું કહ્યું છે કે પહેલાં પીએમની આખી સહાય યોજના હતી પછી ગયા વર્ષે રુપાણી સરકાર હતી એમણે સીએમ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ વખતે જ્યારે નવી સરકાર આવી છે ત્યારે આખું નવું જ પેકેજ લઇને આવી છે. તો એ અંગે આપ શું કહેશો..?