- સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે
- સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં 7 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત થશે
- ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે કદમથી કદમ મિલાવશે: શિક્ષણ પ્રધાન
ગાંધીનગર: વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ રજૂ કરેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ સર્વાનુમતે પારિત કરવામાં આવ્યું છે. જેમાં, રાજયમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે, સુરતમાં રાજયની પહેલી મહિલા યુનિવર્સિટીની પણ સ્થાપના કરવાંમાં આવશે.
શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે. રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.
આ પણ વાંચો:વિધાનસભા ગૃહમાં ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-2021 રજૂ કરાયું
7 ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલથી રાજ્યમાં નવી 7 ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળવાની છે. આ નીતિના આયોજનમાં વર્ષ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વધુમાં શિક્ષણ પ્રધાને કહ્યું કે, ગુજરાતમાં હાલ ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી 22.5 ટકા જેટલી છે. તેને નવી શિક્ષણ નીતિ મુજબ 50 ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે.
રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા
21મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકૂલ શિક્ષણને દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન આવકાર્ય છે. શિક્ષણ પ્રધાનેે કહ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સામે સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા 7 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા કરવામાં આવી છે.
આ પણ વાંચો:જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે
ગુજરાતમાં અત્યારે 83 યુનિવર્સિટીઓ
1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, ત્યારથી આજ સુધી SNDT યુનિવર્સિટી મુંબઇ જ રાજ્યમાં મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત હતી. હવે, સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત કરાશે. શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2002માં 11 યુનિવર્સિટી હતી. જે વધીને, 45 ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે 83 યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પિસિફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં પુરૂં પાડે છે.
આ પણ વાંચો:નલ સે જલ યોજના : રાજ્યમાં 17 લાખ 63 હજાર 985 ઘરોમાં નળના કનેક્શન બાકી
વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સહિત 7 યુનિવર્સિટીઓ
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021ના પરિણામે હવે, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત ઉપરાંત સાર્વજનિક યુનિવર્સિટી સુરત, ડૉ. કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી (KGPU) વડોદરા, સુરેન્દ્રનગર યુનિવર્સિટી-સુરેન્દ્રનગર, UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી વાલીયા-ભરૂચ, દર્શન યુનિવર્સિટી હડાળા-રાજકોટ તેમજ મોનાર્ક યુનિવર્સિટી દસક્રોઇ- જિ. અમદાવાદ એમ વધુ 7 નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ કરવામાં આવશે. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના રાજ્યમાં વધી રહેલા આ વ્યાપને પરિણામે ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન ઉચ્ચ શિક્ષણ મળતું થશે.