- 7 યુનિવર્સિટીના વડા એક્શન પ્લાન તૈયાર કરશે
- ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વની બેસ્ટ પ્રેક્ટિસીસનો લાભ મળશે
- શિક્ષણ વિભાગની ઉચ્ચ કક્ષઆની બેઠકમાં પ્રધાનો અને સચિવ જોડાયા
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત 7 યુનિવર્સિટીઓને(University) ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની (Center Of Excellence) સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) એ નિર્ણય કર્યો છે. જ્યારે, રાજ્ય સરકાર દ્વારા ફક્ત ખાનગી 7 યુનિવર્સિટીઓને જગ્યા આપવામાં આવી છે. પરંતુ, એક પણ સરકારી યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું નથી.
સેન્ટર ઓફ એક્સિલેન્સ માટે એક્શન પ્લાન
મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
7 યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સિલેન્સ માટે પસંદ કરાઈ
મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરી દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ શિક્ષણ વિભાગની ઉચ્ચકક્ષાની બેઠકમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી (nirma university), ચારૂસેટ યુનિવર્સિટી(Charusat University), અમદાવાદ યુનિવર્સિટી(Ahmedabad University), મારવાડી યુનિવર્સિટી(Marwadi University), PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. આ તમામ યુનિવર્સીટીઓ ખાનગી યુનિવર્સિટી છે જ્યારે ગુજરાતમાં સરકારી એક પણ યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું નથી.
સ્ટડી ઇન ગુજરાત અભિયાન પરંતુ, સરકારી યુનિવર્સિટીને સ્થાન નહિ
મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે તે હેતુથી ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર વધુ ભાર મુકવામાં આવશે.