ગાંધીનગર મનપા સામાન્ય સભામાંથી બહાર નીકળનાર ભાજપના 6 સભ્યોને પ્રમુખની નોટિસ - BJP
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગત 13 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં ભાજપના એજન્ડાને ફગાવી દેનાર અને સભા છોડીને બહાર નીકળી જનારા સત્તાધારી પક્ષના 6 કોર્પોરેટરોને શહેર પ્રમુખ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેનો જવાબ 3 દિવસમાં કરવા જણાવ્યું છે.
![ગાંધીનગર મનપા સામાન્ય સભામાંથી બહાર નીકળનાર ભાજપના 6 સભ્યોને પ્રમુખની નોટિસ ગાંધીનગર મનપા સામાન્ય સભામાંથી બહાર નીકળનાર ભાજપના 6 સભ્યોને પ્રમુખે નોટિસ ફટકારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9187299-thumbnail-3x2-mahapalika-7205128.jpg)
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપમાં બે ઉભાં ફાડિયા થઈ ગયાં છે. બે દિવસ પહેલાં મહાપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્યસભામાં ભાજપને વિપક્ષના ટેકાથી કર્મચારીઓના નીતિનિયમો બાબતના એજન્ડા પસાર કરવો પડ્યો હતો. ત્યારે ભાજપના કોર્પોરેટર મનુ પટેલ, કાર્તિક પટેલ, નીતિન પટેલ, પ્રવીણાબેન દરજી, પાર્વતી પરમાર અને પ્રીતિ દવે દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાલુ સભા છોડીને બહાર નીકળી ગયાં હતાં. જેને લઇને મહાનગર ભાજપના પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા આ તમામ કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં ભાજપ સત્તાધારી પક્ષમાં છે અને તેના દ્વારા કર્મચારીઓ બાબતના પ્રશ્ને એજન્ડા મૂકવામાં આવ્યો હતો. ત્યારે પક્ષના જ કોર્પોરેટર થઈને વિરોધ કરે તે બાબત યોગ્ય નથી જેને લઇને આ તમામ 6 કોર્પોરેટરો કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જો તેમના દ્વારા જવાબ કરવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા આગામી સમયમાં વધુ પગલાં લેવામાં આવશે.