- રાજ્યમાં કોવિડ મહામારીમાં પોલીસ એક્ટિવ મોડમાં
- ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસને કોવિડ કેર સેન્ટરની જવાબદારી સોપાઈ
- રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં કલમ 188ના 17,420 કેસ, માસ્ક વગરના 73,994 લોકોને દંડ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર તબાહી મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં કેસો સામાન્ય રીતે ઓછા થઈ રહ્યા છે. પરંતુ, ગ્રામ્ય વિસ્તારોમાં કેસો કાબૂ બહાર જતા રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા 1 મેંના રોજ મારુ ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે, આ અભિયાનના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેરના દેખરેખ માટે પોલીસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:મેડિકલ સાધનોના 200 ટકાથી લઇને 1,000 ટકા લેવાય છે ભાવ
ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસને જવાબદારી સોપાઈ
આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની નજર છે. ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર પર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં, પોલીસ કોવિડ સેન્ટરમાં તપાસ પણ કરશે. આ બાબતે, પોલીસ અને GRD જવાનો અને ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર મામલે 56000 પોલીસ જવાનો, 13000 હોમગાર્ડના જવાનો અને 30,000 ગ્રામરક્ષક દળને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે, 90 જેટલી SRP કંપની માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં નજર રાખી રહ્યા છે.
રાજ્યની પોલીસ માટે 24*7 હેલ્પલાઇન
રાજ્યના DGP આશિષ ભાટિયાએ વધુમાં પોલીસની કોવિડને લાગતી સુરક્ષા માટે જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ પોલીસ કર્મચારીઓએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધો છે. પરંતુ, જો પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો સોમચંદ ટ્રસ્ટ સાથે સંકલન કરીને ટેલીમેડિસિન આપવામાં આવી રહી છે. જેમાં રોજના 300થી વધુ કોલ આવી રહ્યા છે. ત્યારે, 24*7 સર્વિસ ડોક્ટર દ્વારા ફક્ત પોલીસ કર્મચારીઓને અને પરિવારજનોને સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, અન્ય જિલ્લામાં અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવમાં આવી છે.