ગાંધીનગરઃ રાજ્યમાં ‘સરકાર’ના નામથી સટ્ટો લેનારા અને રોજનો કરોડો રૂપિયાનો વ્યવહાર કરતા નેટવર્કના તાર કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. ‘સરકાર’ના સટ્ટામાં પોલીસને થાપ આપીને નાસતા-ફરતા જમાદારની ચાવીરૂપ ભૂમિકા હોવાની આશંકા સાથે પોલીસ તપાસનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા ઉપરાંત અમદાવાદથી લઈને આબુ સુધી અનેક સ્થળે જુગારધામ ચલાવવામાં ગાંધીનગર પોલીસના કેટલાક કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું અગાઉ અનેક વખત ચર્ચાયું હતું. આ વખતે શ્રાવણ માસમાં પણ જુગારની મોસમ પૂરબહારમાં ખીલવાની તૈયારીમાં હતી.
સટ્ટા કિંગ જમાદારની માયાજાળ ઉકેલવા માથું ખંજવાળતી પોલીસ - સરકારના નામથી સટ્ટો લેનારા
રાજ્યનું પાટનગર જુગાર નગર બની ગયું છે, પોલીસ કર્મચારીઓ દ્વારા ખાખીનો દુરુપયોગ કરીને બોર્ડ બેસાડવામાં આવતા હતા. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉનાવા ખાતે બે પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલતા જુગારધામ નો પર્દાફાશ ફરી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સૂત્રધાર મનાતો અને જમાદાર તરીકે ઓળખાતો પોલીસ કર્મચારી હજુ પોલીસની પકડથી દૂર છે, પણ તેના કાળા કારોબાર સાથે સંકળાયેલા ચોંકાવનારા રહસ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યા છે. ત્યારે સટ્ટા કિંગ જમાદારની માયાજાળ ખોલવા માટે પોલીસ માથું ખંજવાળી રહી છે.
લોકલ ક્રાઈમ બ્રાંચ-2ની ટીમે ઉનાવામાં જુગારધામ પર સફળ દરોડો પાડીને જુગારધામોને સલામતી કવચ પૂરું પાડનારી પોલીસ કર્મચારીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે. અન્ય કેટલાક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ તપાસ દરમિયાન શંકાના ઘેરામાં છે. ત્યારે સૂત્રધાર મનાતા ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદારના કારનામાઓ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં ‘સરકાર’ના નામથી ક્રિકેટ સહિતના સટ્ટા લેવાતા હતા. દરરોજ કરોડો રૂપિયાની લેવડ-દેવડ ધરાવતા આ સટ્ટામાં અમદાવાદ-મુંબઈથી માંડીને દુબઈ સુધી હવાલા મારફતે નાણાં મોકલાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
‘સરકાર’ પાસે સટ્ટો નોંધાવનારાઓએ બીજા દિવસે સવારે 12 વાગ્યા સુધીમાં હિસાબ કરી જવાનો હતો. સામા પક્ષે ‘સરકાર’ના માણસો બપોર સુધીમાં હવાલા મારફતે કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દેતા હતા. ફોન પર સટ્ટા લેવાતા હતા તે સમયથી શરૂ થયેલા આ ગોરખધંધાનો હિસાબ એક ડાયરીમાં રખાતો હતો. સમય જતાં ફોનના બદલે બોબડી કાર્ડ આવ્યું અને હવે મોબાઈલ એપ પર આ સટ્ટો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. કરોડો રૂપિયાના વ્યવહારો છુપાવીને બેઠેલી સરકારની રહસ્યમય ડાયરીના પાના ઉકેલવા માટે પણ પોલીસે મથામણ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.