ગાંધીનગરઃ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનો આજે ઉદ્ઘાટન સમારોહ (PM Modi inaugurates Kumar Hostel) યોજાયો હતો, જેમાં અડાલજ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંકુલનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને હિરામણી આરોગ્ય ધામનું વર્ચ્યૂઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું.
લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ -આ પ્રસંગે વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સાથે મને તમારી વચ્ચે આવવાનો અવસર મળી રહ્યો છે. લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. ગુજરાતે મને જે શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. તેના કારણે હું દેશની સેવા કરી રહ્યો છું. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાત હંમેશા સૌના પ્રયાસથી ચાલનારું રાજ્ય છે. આ બધું મા અન્નપૂર્ણાના આશીર્વાદથી થાય છે.
સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર આપવો જરૂરી -વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ (PM Modi on Skill Development) પર ભાર આપવો જરૂરી છે. હવે ગુજરાતે હરણફાળ ભરવાની છે. ગુજરાતે આ કામમાં દેશનું નેતૃત્વ કરવું જોઈએ. ગુજરાતના પ્રોફેશનલ જગતના લોકોએ આમને મદદ કરવી જોઈએ. આજે સમગ્ર વિશ્વમાં ફાર્મસીમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાતની દવા બનાવનારી કંપનીઓનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.
શિક્ષણ અને આરોગ્ય સેવામાં પાટીદાર સમાજ આગળ રહ્યો છે -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય સેવામાં પાટીદાર સમાજ હંમેશા આગળ રહ્યો છે. આજે જે આરોગ્ય ધામ બની રહ્યું છે. તે ગુજરાતની સામાન્ય જનતાને સારો લાભ થશે.
વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર - વડાપ્રધાનને અંબાજીમાં થતા વિકાસ અંગે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પ્રવાસન માટે ખૂબ આગળ આવીને કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસની સાથે સાથે સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વડાપ્રધાને ગુજરાત સરકારે ઝડપી કોરોના રસીકરણ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજના સમયમાં જમીન બચાવવા પ્રાકૃતિક ખેતી (PM Modi on Natural farming) કરવી ખૂબ જ જરૂરી છે. આથી પ્રાકૃતિક ખેતી કરવા લોકો આહ્વાન પણ કર્યું હતું.