ગાંધીનગર: પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે કોરોનાને લઇને સવાલો સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને મેં કહ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ડર પેદા થયો છે. સાવચેતીના ભાગરૂપે ભારત અને ગુજરાત સહિતના એરપોર્ટ ઉપર બહારથી આવતાં લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે.
વિધાનસભા ગૃહ જોવા આવનારા લોકોને માસ્ક આપવા જોઈએ: કિરીટ પટેલ - ગુજરાત વિધાનસભા
કોરોનાનો કેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, ત્યારે વિપક્ષના ધારાસભ્યએ કોરોના વાયરસને લઈને વિધાનસભામાં સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, વિધાનસભા જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી તે તમામ લોકોની તપાસ કરીને માસ્ક આપવા જોઈએ. જેથી કરીને અહીંયા આ વાયરસ ફેલાય શકે નહીં.
વિધાનસભાના સત્રમાં ગુજરાતના વિવિધ ખૂણાથી 1 દિવસમાં 5થી 6 હજાર લોકો મુલાકાતે આવે છે, ત્યારે તેમને માસ્ક અને આરોગ્યની તપાસ કરી વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પાટણના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત પાટણ અને મહેસાણા જિલ્લામાં કેટલા ગરીબોને સહાય કરવામાં આવી છે, જેની આંકડાકીય વિગતો માગવામાં આવી હતી. જે અંતર્ગત મેં પૂરક પ્રશ્ન કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2007થી સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે. જો એક વર્ષમાં એક જિલ્લામાં 50,000થી વધુ ગરીબોને સહાય ચૂકવવામાં આવતી હોય, તો અત્યાર સુધીમાં 25 કરોડથી વધુ ગરીબોને આ સહાય ચૂકવાઇ હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, આ આંકડા પરથી ગરીબોની સંખ્યા વધતી હોય તેવું લાગી રહ્યું છે. 11 વર્ષથી ગરીબી દૂર કરવાના પ્રયત્ન કરતી સરકાર ગરીબી દૂર કરી શકી નથી. જેને આ આંકડા સમર્થન આપે છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, પાટણ જિલ્લામાં 6 વિઘા જેટલી જમીન ધરાવનારા લોકોને પણ ગરીબ કલ્યાણ મેળાના લાભ મળ્યો છે.