- રાત્રિ કરફયૂ વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યપ્રધાન રૂપાણીનો નિર્ણય
- 21 મે ની રાત્રે 8 વાગ્યાથી 28 મે ની સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂનો અમલ
- આંશિક નિયંત્રણો દૂર કરાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં કરવા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફયૂ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી, પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ 7 દિવસ માટે યથાવત્ રાખવાનો અને કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય કર્યો છે.
કેવા હશે નવા નિયમો
આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયૂ 21 મેથી 28 મે સુધી દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત્ અમલમાં રહેશે. જ્યારે રાજ્યના નાના-મોટા વેપારી, ઉદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયૂ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.
આવશ્યક સેવાઓ રહેશે ચાલુ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે. તે મુજબ આ 36 શહેરોમાં 21 મેથી 28 મે સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ, આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત
કંઈ સેવાઓ શરૂ કરાઇ...?
આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ ચાલુ રહેશે. રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.