- કેટલાક કિસ્સામાં ડબલથી 3 ગણા ભાવ થયા
- ઓક્સિજન કોન્સેનટ્રેટરના ભાવ 50 હજારથી વધુ
- ઓક્સિજન જમ્બો બોટલની પણ કાળાબજારી સામે આવી
ગાંધીનગર: કોરોનાના આ કપરા કાળમાં પણ લોકો કાળાબજારી કરી કમાણીના રસ્તાઓ શોધી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવાની જગ્યાએ કાળાબજારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ડિસ્પોઝેબલ, ઓક્સિમીટર, ઓક્સિજન કોન્સેનટ્રેટરના ડબલથી 3 ગણા ભાવ લેવામાં આવી રહ્યા છે. આમ છતા, મજબૂરીવશ બનેલા લોકો ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, વિટામીન સી માટે જરૂરી ફ્રુટ એવા મોસંબી તેમજ અંતિમ ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતા નારિયેળના ભાવ પણ ડબલ થઈ ગયા છે.
આ પણ વાંચો:સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ
રિટેલ માર્કેટમાં થઈ રહી છે કાળાબજારી
એક હોલસેલ વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આગાઉ ઓક્સિજન કોન્સેનટ્રેટરના ભાવ 26000 હતા. જે અત્યારે, 55,000 સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જોકે, હોલસેલમાં તો એ જ ભાવે વસ્તુ મળી રહી છે. પરંતુ, રિટેલ માર્કેટમાં કાળાબજારી જોવા મળી રહી છે. જ્યારે, ઓક્સિમીટરના એવરેજ ભાવ 500થી 700 હોય છે. આમ છતા, અત્યારે તેના 1500થી 2000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આથી, આ પ્રકારની કાળાબજારી રિટેલ માર્કેટમાં જોવા મળી રહી છે. બીજી બાજુ, લોકોને પણ જરૂર હોવાથી વધુ પૈસા આપીને ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાતા કોંગી ધારાસભ્યનો સરકારને પત્ર
ગુજરાતમાં ઓક્સિજનના ડબલ ભાવ
કોરોનાના કહેરને કારણે દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઇ રહી છે. ત્યારે, તેની કાળાબજારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સંજીવની સાબિત થઇ રહ્યો છે. આમ, ઓક્સિજન આપવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી અને દર્દીને રાહત મળે છે. ત્યારે, ગુજરાતમાં ઓક્સિજનના ડબલ ભાવ લેવામાં આવે છે. 5000થી 6000માં મળતી જમ્બો બોટલના અત્યારે 12000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જોકે, કેટલીક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરી ફ્રીમાં પણ ઓક્સિજન આપવામાં આવે છે.