તલાટીઓની ઓનલાઈન હાજરી પુરવાના સરકારના નિર્ણયનો તલાટી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને મંગળવારે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં તલાટી સાથે બેઠક યોજવામાં આવી હતી.
ઓનલાઈન હાજરીનો વિરોધ, તલાટી મંડળે સરકાર સાથે બેઠક કરી - ઓનલાઈન હાજરીનો વિરોધ
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ કામકાજ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. શિક્ષકો બાદ તલાટીઓની હાજરી પૂરવા માટે રાજ્ય સરકારે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે. પરંતુ ઓનલાઈન હાજરી સિસ્ટમનો કર્મચારીઓએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને મંગળવારે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં તલાટી મંડળ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠક બાબતે ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તલાટીઓની હાજરી પૂરવા માટે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને તલાટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સરકાર ઓનલાઈન સિસ્ટમ પાછી ખેંચે અને પહેલાં જે રીતે હાજરી પુરાવાની હતી. તે જ સિસ્ટમ યથાવત રાખે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈને આજે બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તલાટીના પડતર પ્રશ્નો અંગે પણ મહેસૂલ પ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ભરત આહિરે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ઓનલાઈન સિસ્ટમના કારણે લોકોને માનસિક રીતે ત્રાસ ભોગવવાનો વારો આવે છે. જ્યારે કોઈ તલાટી ઓનલાઈન હાજરી ના ભરે, ત્યારે તેમની ફરજિયાત પણે રજા ગણવામાં આવે છે. આમ આ સિસ્ટમના કારણે તલાટીઓ માનસિક હેરાન થતા હોવાનો આક્ષેપ પણ ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિરે કર્યા હતા.