ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 5 જૂનથી 21 જૂન દરમિયાન યોગના ઑનલાઇન ક્લાસ યોજાશે - યોગ બોર્ડ
યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહીં પણ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે અને મેડિકલ સાયન્સે પણ આ સ્વીકારી લીધું છે. ત્યારે કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ માત્ર એક અસરકારક માધ્યમ પુરવાર થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોની ઘેરબેઠાં યોગ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે 5 જૂનથી 21 જૂન, 2020 દિવસ દરમિયાન 17 દિવસ સુધી ઓનલાઇન યોગ નિદર્શનના ક્લાસ શરૂ કરાયા છે.
![ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 5 જૂનથી 21 જૂન દરમિયાન યોગના ઑનલાઇન ક્લાસ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 5 જૂનથી 21 જૂન દરમિયાન યોગના ઑનલાઇન ક્લાસ યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7505480-thumbnail-3x2-yoga-board-7209112.jpg)
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ રાજપૂત દ્વારા જણાવાયું છે કે, ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જનજન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે લોકડાઉન દરમિયાન લોકોમાં યોગ અંગેની તથા તેનાથી થતા ફાયદાની જાણકારી મળે અને લોકો યોગ કરતા શીખે તે માટે પણ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
લોકોની ઇમ્યુનીટી વધે અને લોકો યોગ કરતાં થાય તે માતે 5 જૂનથી 21 જૂન એમ 17 દિવસ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓફિશિઅલ ફેસબૂક પેઇજ https://www.facebook.com/Gujaratyogboard/ ઉપરથી સવારના 7થી 7:50 સુધી ઓનલાઇન યોગ કલાસ ચાલુ કરવામાં આવ્યાં છે. તેમ જ મહિલાઓ તથા બાળકો માટે સાંજના 5:30થી 6:30 કલાક સુધી યોગ નિષ્ણાત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવામાં આવ્યાં છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા શરૂ કરવામાં આવનાર ઓનલાઇન યોગ કલાસથી લોકોને લાભ મળી રહ્યો છે અને લોકો 100 સૂર્ય નમસ્કાર કરવા માટેનો ચેલેન્જ પણ સ્વીકાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા યોગ ચેલેન્જ સ્વીકારી યોગ અંગેનો 3 મિનિટનો વીડિયો બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે પણ ગુજરાતમાંથી આ ચેલેન્જને સ્વીકારી યોગ બોર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરી વીડિયો અપલોડ કરવા પ્રેરણા આપવામાં આવે છે.
21 જૂને, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી ઓનલાઇનના માધ્યમથી ઓનલાઇન યોગ કલાસ નિબંધ સ્પર્ધા, લેકચર સિરીઝ તથા વિડીયો ચેલેન્જ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' ઓનલાઇન યોગ કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તે માટે રજિસ્ટ્રેશન કરાવવા https://forms.gle/P9ckdBdPVPBJ1cAV8 જણાવવામાં આવે છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા 5000થી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવી છે અને ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. લૉકડાઉન દરમિયાન ગુજરાત રાજય યોગ બોર્ડના જિલ્લા કોચ દ્રારા ઓનલાઇન યોગ શિબિરો ચાલુ રાખી યોગની તાલીમ અપાઈ છે.