- 21,000 યોગ ટ્રેનર્સ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા
- ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સપ્તાહનું આયોજન
- યોગ કોચ, યોગ ટ્રેનરને પ્રમાણપત્ર અપાશે
ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુખ્યપ્રધાનના નિવાસસ્થાનેથી તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસ(world yoga day 2021)ની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના(CM Rupani) નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં વિજય રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજ્યયોગ બોર્ડના ચેરમેન, 6 યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યપ્રધાનના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
મુખ્યપ્રધાનના ફેસબુક પેજ ઉપરથી સવારે 11 કલાકથી જીવંત પ્રસારણ કરાશે
તા.21 જૂન 2021નાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારના 7 કલાકેથી 7.45 કલાક સુધી એટલે કે 45 મિનિટ સુધી યોજાશે. જેનું મુખ્યપ્રધાન(CM Rupani)ના ફેસબુક પેજ ઉપરથી સવારે 11 કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન – 2020થી 21 જૂન -2021 દરમિયાન 21,000 યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી તા.21 જૂન 2021ના રોજ વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના 11 કલાકેથી વિજય રૂપાણીના વરદહસ્તે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોગ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ યોગ કોચ/યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.