- રાજકોટ અગ્નિકાંડમાં હવે તાપસ કરશે ડી. એ. મહેતા પંચ
- જસ્ટિસ કે. એ. પુંજ કમિટી અન્ય તપાસમાં વ્યસ્ત
- રાજ્ય સરકારે ત્વરિત તપાસ માટે તપાસ કમિટીમાં બદલાવ કર્યો
ગાંધીનગર : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. જેમાં રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કરીને સમગ્ર ઘટનાની તપાસ કે. એ. પુંજ કમિટીને તપાસ સોંપી હતી. જોકે, પુંજ કમિટી વ્યસ્ત હોવાને કારણે રાજ્ય સરકારે રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ ડી. એ. મહેતા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અગાઉ કે. એ. પુંજ કમિટીને સોંપવામાં આવી હતી તપાસ
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ ઘટનાની તપાસ માટે અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જસ્ટિસ કે. એ. પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતું પૂંજ અન્ય ન્યાયિક તપાસમાં વ્યસ્ત હોવાને કારણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઘટનાની ત્વરિત તપાસ થાય એ આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સોમવારે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યુ છે. આ તપાસ પંચ આગામી 3 માસમાં રાજય સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.
હાઈકોર્ટના પૂર્વ જજ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવામાં આવશે
રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ હવે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.