- રાજ્યમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં
- તમામ જિલ્લામાં અપાઈ છે સર્વેલન્સની સૂચના
- 2 દિવસમાં 55 પક્ષીઓના મોત
- ફૂડ પોઇઝિંગને કારણે મોત થવાનું સામે આવ્યું કારણ
ગાંધીનગર: દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે બાબતે ગુજરાત સરકારે પણ તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના મોત નોંધાયા છે, જે મોત બાદ પોસ્ટમોર્ટમમાં આ તમામ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજયમાં એક પણ કેસ નહિં: કુંવરજી બાવળિયા
રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે રાજ્યના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં સર્વલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢના બાટવા ખાતે 52 જેટલાં પક્ષીઓના મોત નિપજયાં હતા, જે બાબતે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ બાદ પક્ષીઓને ફૂડ પ્રોસેસિંગ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.