અમદાવાદ નિતીન પટેલ ગુજરાત ભાજપમાં સીનીયર નેતા (Nitin Patel Profile) છે અને તેમણે ગુજરાત સરકારમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, તેઓ ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી ચુક્યા છે અને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓ તેમની કેબિનટમાં પ્રધાન હતા. નિતીનભાઈ હાજર જવાબી છે અને વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન જવાબ આપવા ઉભા થાય ત્યારે રમૂજ કરી લે અને ધીરગંભીર થઈને જવાબ પણ આપતા હતા. વિપક્ષને ચૂંટલી ખણવાની હોય તો સાદી, સરળ અને પટેલની ગામઠી ભાષામાં કહી દેતા હતાં, ત્યારે વિધાનસભામાં તમામ ધારાસભ્યો પાટલી થપથપાવીને તેમનું અભિવાદન સાથે વાહવાહી કરતાં હતા.
કુટુંબ પરિચયનિતીન પટેલનો જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. તેઓનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયો હતો. બી કોમના બીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ તેમના કૌટુંબિક વ્યવસાયમાં સામેલ થઈને તેને આગળ વધાર્યો હતો.
નિતીન પટેલના લગ્ન સુલોચનાબહેન પટેલ સાથે થયા છે. તેમના પરિવારમાં મોટા પુત્ર જૈમીનભાઈ, પુત્રવધુ ઝલકબહેન, પૌત્રી વૈશ્વી અને નાના પુત્ર સન્ની છે. તેમનો પરિવાર અમદાવાદના સોલા વિસ્તારમાં રહે છે.
રાજકીય કારકિર્દીના સોપાન નિતીન પટેલે તેમની રાજકીય કારકિર્દીની (Nitin Patel Profile) શરૂઆત 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે હતી. અને આજદિન સુધી તેઓ જાહેરજનતાની સેવા માટે કાર્યરત રહ્યા છે. 1990માં તેઓ ગુજરાત વિધાનસભામાં કડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1995માં પ્રથમ વખત આરોગ્ય વિભાગના કેબિનેટ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 1997-98માં મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1999માં માર્ગ અને મકાન વિભાગ, નાની અને મધ્યમ સિંચાઈ વિભાગના કેબનિટ પ્રધાન બન્યા હતા. 2001માં ગુજરાતના નાણાપ્રધાન બન્યા હતા. 2002માં મહેસૂલપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો હતો. 2007માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાણી પુરવઠા, સિંચાઈપ્રઘાન બન્યા હતા. 2012માં મહેસાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012માં નાણા, આરોગ્ય, તબીબ શિક્ષણ, સામાજિક કલ્યાણ અને વાહનવ્યવહારપ્રધાન બન્યા હતાં.
નારાજગી પણ દેખાડે છે 2016માં પાટીદાર અનામત આંદોલન થયું અને તે દરમિયાન રાજકીય અસ્થિરતા સર્જાઈ અન આનંદીબહેન પટેલે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. તે પછી મુખ્યપ્રધાન પદની અટકળોમાં નિતીન પટેલનું નામ મોખરે હતું. પણ તે વખતે પાર્ટીએ વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવ્યા અને નિતીન પટેલને નાયબ મુખ્યપ્રધાનની જવાબદારી (Nitin Patel Profile) સોંપવામાં આવી હતી. 2017ની ચૂંટણી ભાજપ જીતીને આવ્યું પછી નિતીન પટેલને ફરીથી ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા. જો કે તે વખતે નિતીન પટેલને મનગમતા ખાતાની ફાળવણી ન થતાં તેમની નારાજગી બહાર આવી હતી અને તેઓ તે દિવસે ગાંધીનગર કાર્યાલયનો ચાર્જ લેવા ગયા ન હતા. પણ પાછળથી તેમને નાણાંપ્રધાન બનાવ્યા પછી તેઓ ગાંધીનગર ગયા હતાં.