ગુજરાત

gujarat

ETV Bharat / city

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત, હવે પરિવારના તમામ સભ્યોને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ મળશે - Gandhinagar Breaking News

આજે બુધવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, હવે પરિવારના દરેક સભ્યોને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ મળશે. જે પહેલા પરિવારના મુખ્ય સભ્યને જ આપવામાં આવતું હતું. સાથે જ મા- કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઇ 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

Gandhinagar News
Gandhinagar News

By

Published : Jun 9, 2021, 5:05 PM IST

  • આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
  • "મા - અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ મળશે
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત

ગાંધીનગર : રાજ્યમાં પહેલા આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના મુખ્ય સભ્યને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ આપવામાં આવતું હતું અને તે કાર્ડની અંદર પરિવારના સભ્યોની વિગતો આપવામાં આવતી હતી પણ આજે બુધવારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજ્ય સરકારે "મા-અમૃતમ વાત્સલ્ય" યોજના કાર્યરત છે. જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

ગાંધીનગર

5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ

મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા “આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”, “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે. મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા - અમૃતમ્” અને “મા - અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે.

સરકારી હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કાર્ડ ઇશ્યૂ થશે

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ન આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે. જેથી જરૂરિયાત પ્રમાણે પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકશે.

આ પણ વાંચો : પાટણ જિલ્લામાં માં કાર્ડના સેન્ટર્સ બંધ થતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા

મુદ્દત 31 જુલાઈ કરાઈ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા- કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઇ 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : માં અમૃતમ કાર્ડ બનાવનાર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતાં દર્દીઓને થતી હેરાનગતી

31 માર્ચના રોજ પુરી થઈ હતી મુદ્દત

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31/3/2021ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 30 જૂન 2021 સુધી લંબાવવામાં આવી હતી પણ હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 જુલાઇ 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details